PM Modi Gujarat Visit: પીએમ મોદી વનતારા પહોંચ્યા, બપોરે સોમનાથ જશે

જામનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત (PM Modi Gujarat Visit 2025) પ્રવાસનો આજે બીજો દિવસ છે. શનિવારે રાત્રે તેઓ જામનગર (Jamnagar) આવી પહોંચ્યા હતા. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડા પ્રધાન વહેલી સવારે જ વનતારા (Vantara) પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર (Ambani Family) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વનતારામાં ચાર કલાક જેટલું રોકાણ કર્યા બાદ સોમનાથ (Somnath) જશે.
શું છે વનતારા
વનતારા પ્રોજેક્ટ હેઠળ 200 થી વધુ હાથીઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને બચાવાયા છે. વનતારા રિલાયન્સ ફાઉન્ડેશનનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં ઈજાગ્રસ્ત, ત્યજી દેવાયેલા અને શિકાર થયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા તથા તેમના પુન:વસવાટ પર ધ્યાન અપાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના તરીકે વનતારા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જામનગરમાં રિલાયન્સની રિફાઈનરીના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યૂ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીનું શનિવારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાન રાઘવજી પટેલ, મુળુ બેરા, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમે સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7.30 કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો હતો. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડા પ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.