PMના ગુજરાત પ્રવાસ બાદ થશે મોટો નિર્ણય? પ્રધાનમંડળ ‘વિસ્તરણ’ની અટકળો બની તેજ…

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25 અને 26 ઓગસ્ટના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલમાં જનસભાને સંબોધશે.
પ્રવાસ બાદ રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તેવી અટકળો હાલ થઈ રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી અને 12 ડિસેમ્બરના રોજ બીજી વખત શપથ લીધા હતા.
તે સમયે તેમની ટીમમાં ત્રણ પાટીદાર અને છ નવા ચહેરાને સ્થાન મળ્યું હતું. ત્યારથી ગુજરાતના પ્રધાનમંડળમાં કોઈ બદલાવ થયો નથી. વર્તમાન પ્રધાન મંડળમાં ત્રણ પાટીદાર, સાત ઓબીસી, બે અનુસૂચિત જાતિ અને એક-એક પ્રધાન બ્રાહ્મણ, જૈન, રાજપૂત સમુદાયના છે.

ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં કુલ 16 પ્રધાન છે, જેમાંથી આઠ કેબિનેટ, બે સ્વતંત્ર હવાલો અને છ રાજ્ય પ્રધાન છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ફોક્સ
રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ગોવા અને ઉત્તર પ્રદેશમાં પ્રધાન મંડળના વિસ્તરણને લીલી ઝંડી આપવામાં આવ્યાની ચર્ચા છે. બે રાજ્યો બાદ પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ વિસ્તરણની ચર્ચા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત નિકોલમાં સભા કરવાનું કારણ પાટીદાર વોટ બેંક જાળવી રાખવાનું ગણિત પણ હોઇ શકે છે.
ભાજપના હાલ કેટલા ધારાસભ્યો છે?
ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 સીટ જીતી હતી. પરંતુ હવે આ સંખ્યા 162 પર પહોંચી ગઈ છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં પાંચનો વધારો થયો છે. આ પાંચ નેતા કોંગ્રેસમાંથી આવ્યા છે અને ભાજપમાંથી જીતીને ફરી ધારાસભ્ય બન્યા છે. તેમાંથી બે ધારાસભ્યને પ્રધાન બનાવી શકાય છે.
એટલું જ નહીં અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા પણ હાલ ભાજપમાં છે, હાલ વડોદરામાંથી કોઈ પ્રધાન નથી તેથી તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, નબળું પ્રદર્શન કરનારા અને ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યા છે તેવા કેટલાક વિવાદાસ્પદ પ્રધાનોને પડતાં મૂકવામાં આવી શકે છે. ગુજરાતમાં વિપક્ષ પાસે કુલ 18 ધારાસભ્ય છે.
‘જમ્બો કેબિનેટ’ મળવાની સંભાવના
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સ્થિતિમાં રાજ્યમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં મુખ્ય પ્રધાન પદની જવાબદારી 13 સપ્ટેમ્બર, 2022ના રોજ સંભાળી હતી. આગામી મહિને તેમના કાર્યકાળને ચાર વર્ષ પણ થશે.
આ સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પૂરો કરીને જાય તે પછીના થોડા જ દિવસોમાં રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થાય તેવી સંભાવના રાજકીય નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.
વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા 182 છે. આ અનુસાર તેના 15 ટકા પ્રધાનોની સંખ્યા સુનિશ્ચિત કરવામાં આવી હોવાથી ગુજરાતમાં 27 સભ્યો સાથેનું પૂર્ણ કદનું પ્રધાનમંડળ ગણવામાં આવે છે. પરંતુ પ્રધાન મંડળની સંખ્યા 22થી 23 જ હોઈ શકે છે, એટલે કે પૂર્ણ કદનું પ્રધાન મંડળ ન બને તેવી પણ શક્યતા છે.
2022 વિધાનસભાની ચૂંટણીનું પરિણામ
ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 સીટ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે કૉંગ્રેસને 17 બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. 2017માં ભાજપને 108 સીટ, કૉંગ્રેસને 68 સીટ તથા અન્યને 6 સીટ મળી હતી.

ગુજરાતના પ્રધાનોનું લિસ્ટ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, કૃષિ -પશુપાલન, ગૌસંવર્ધન અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ પ્રધાન – રાઘવજી પટેલ, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અન શ્રમ રોજગાર પ્રધાન – બલવંતસિંહ રાજપૂત, જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબત – કુંવરજી બાવળીયા, પ્રવાસન પ્રધાન – મુળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ – કુબેર ડીંડોર, મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય- ભાનુબેન બાબરીયા.
રાજ્યકક્ષાના પ્રધાનો
ગૃહ અને પોલીસ હાઉસિંગ, રમત ગમત, વાહનવ્યવહાર – હર્ષ સંઘવી, સહકાર – જગદીશ પંચાલ, મત્સ્યોદ્યોગ અને પશુપાલન – પરષોત્તમ સોલંકી, પંચાયત અને કૃષિ – બચુબાઈ ખાબડ, વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા – મુકેશ પટેલ, સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ – પ્રફુલ પાનશેરીયા, અન્ન અને નાગરિકા પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા – ભીખુસિંહજી પરમાર, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ – કુંવરજી હળપતિ.