PM મોદીએ મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો પ્લોટ આપ્યો દાનમાં, ગાંધીનગરમાં બનશે ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગરમાં આવેલા પ્લોટ પર હવે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનશે. ગાંધીનગરના સેક્ટર-1માં આવેલો આ પ્લોટ પીએમ મોદીએ કલા ચાહકોને ભેટમાં આપ્યો છે. PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવા માટે મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો પોતાનો સરકારી પ્લોટ દાનમાં આપ્યો છે. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર-1માં બનાવવામાં આવેલા ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સરકારી પ્લોટ મનમંદિર ફાઉન્ડેશનને આપ્યો છે, જ્યાં એક ભવ્ય ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્ર ભવિષ્યમાં સંગીત કલા પ્રવૃતિઓ માટે અનોખું કેન્દ્ર બની રહેશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય સંગીત કલાના જ્ઞાનને એક છત નીચે લાવવાનો છે.
આ ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્રમાં 200 વ્યક્તિની ક્ષમતા સાથેનું થિયેટર, 2 બ્લેક બોક્સ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા 12થી વધુ બહુઉદ્દેશીય વર્ગ, અભ્યાસ અને સાધના માટે 5 પર્ફોર્મિંગ સ્ટુડિયો, 1 ઓપન થીયેટર, દિવ્યાંગો માટે વિશેષ સેન્સોરિયલ ગાર્ડન, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક લાયબ્રેરી, સંગીતના ઇતિહાસને દર્શાવતા મ્યુઝિયમ ઉપરાંત કેમ્પસમાં કાફેટેરિયા અને ફાઈન્ડ ઈન રેસ્ટોરન્ટ પણ કાર્યરત થશે. કલાક્ષેત્ર માટે નાદ નાદબ્રહ્મ એક મહત્વનું સેન્ટર બની રહેશે.