Gujarat University: વડા પ્રધાનની ડિગ્રી સંબંધિત બદનક્ષી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે આજે શુક્રવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની બે અરજીઓ ફગાવી દીધી હતી. આ અરજીઓમાં અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમની સામે કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવા અંગે ગુજરાત યુનિવર્સિટીએ આ બદનક્ષીનો દાવો કર્યો છે.
જાન્યુઆરીમાં બંને નેતાઓને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે 16 ફેબ્રુઆરી સુધી ટ્રાયલ કાર્યવાહી પર રોક લગાવી હતી અને ગુજરાત હાઈકોર્ટને ત્યાં સુધીમાં તેમની અરજીઓ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના આજના ચુકાદા સાથે, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા વધુ સ્ટે આપવામાં ન આવે ત્યાં સુધી ટ્રાયલ ફરીથી શરૂ થવાની છે. AAP નેતાઓના વકીલોએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે માંગ્યો ન હતો.
યુનિવર્સિટીની ફરિયાદ મુજબ, ગત વર્ષે માર્ચમાં યુનિવર્સિટીને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને વડાપ્રધાન મોદીની ડિગ્રી સંબંધિત “માહિતી શોધવા” માટે આપેલા આદેશનને હાઇકોર્ટે રદ કર્યો હતો, ત્યાર બાદ કેજરીવાલે 1 એપ્રિલના રોજ અને 2 એપ્રિલના રોજ સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કથિત રીતે બદનક્ષીભર્યા ઉચ્ચારણો કર્યા હતા. જેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટી વતી રજિસ્ટ્રાર પિયુષ પટેલે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં બંને નેતાઓને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. બંને નેતાઓ હજુ સુધી હાજર થયા નથી.
ગુજરાત હાઈકોર્ટે માર્ચ 2023 માં એવો ચુકાદો આપ્યો હતો કે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ) હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને અનુસ્નાતક ડિગ્રી પ્રમાણપત્રો રજૂ કરવાની જરૂર નથી. ડિસેમ્બર 2023માં કેજરીવાલે સિંગલ જજના નિર્ણયને પડકારતી હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. આ અપીલ હજુ હાઈકોર્ટ સમક્ષ પેન્ડીંગ છે.