PM Modi Birthday : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી, દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(PM Modi Birthday)74મો જન્મદિવસ છે. પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે જેથી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને રાજભવનમાં મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પીએમ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.
ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનું આપનું પરિશુદ્ધ જાહેરજીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની પ્રતિબદ્ધતા, આપત્તિને ભગીરથ પુરુષાર્થ થકી અવસર બનાવવાનો આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્રોત છે.
તેજ ગતિએ વિકાસની સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતના સંવર્ધનની આપની કાળજીએ આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી છે. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના આપશ્રીના લક્ષ્યમાં આહુતિ આપવા આજે દેશનો જન-જન ઉત્સુક બન્યો છે. ઈશ્વર સમક્ષ આપશ્રીના યશકીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.
જનસેવાના કાર્યક્રમોનું આયોજન
પીએમ મોદીના જન્મ દિવસને ભાજપ સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યું છે. તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ભાજપ સિવાય પણ સામાન્ય નાગરિકો પોતાની રીતે વડાપ્રધાનનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. વિવિધ જગ્યાએ તેમના સર્મથકોએ જનસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
આ અંતર્ગત પાર્ટીના કાર્યકર્તાઓ દેશભરમાં વિવિધ સ્થળોએ રક્તદાન શિબિર અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરી રહ્યા છે. હોસ્પિટલો, શાળાઓ અને અન્ય જાહેર સ્થળોએ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પખવાડિયાની ઉજવણી મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2જી ઓક્ટોબર સુધી ચાલશે.
Also Read –