વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં અમરેલીના રાજકારણમાં કેમ આવ્યો ગરમાવો? જાણો વિગત…

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ લાઠીના દુધાળા ગામે સરોવરનું લોકાર્પણ કરશે. દુધાળાના વતની અને હીરા ઉદ્યોગકાર પદ્મશ્રી ડો. સવજીભાઇ ધોળકીયાએ ગાગડીયો નદી પર નમુનેદાર જળસંચયની કામગીરી કરી સરોવરોની હારમાળા સર્જી છે. તે પૈકીના ભારતમાતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાઠીના દુધાળા ખાતે તા. 28 ઓકટોબરના રોજ લોકાર્પણ થશે. પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચો : અમરેલીમાં જેની ઠુંમરે ભાજપના કાર્યકર્તા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો, એસપીએ કર્યો ખુલાસો
કોંગ્રેસ નેતા જેની ઠુંમરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુંમરે સોશિયલ મીડિયામાં લખ્યું, અમરેલી વિકાસના પંથે આગળ ધપાવવાનો એક વિનમ્ર પ્રયાસ, માનનીય વડાપ્રધાન અમરેલીની ધરતી, લાઠી તા.28 ઓક્ટોબરના રોજ પધારી રહ્યા છે ત્યારે બધાજ જાગૃત સજ્જનો દ્વારા અમરેલીની સમસ્યાઓથી અવગત કરાવવા અને એમણે અમરેલીને આપેલા વચનો યાદ અપાવવા એ આપડી ફરજ છે. અહીં બધાજ પક્ષથી પરે રહીને આપના અભિપ્રાય અને સમસ્યાઓ કોમેન્ટ પર જણાવશો. જેથી બધાજ મુદ્દાઓ આવરી જિલ્લા તંત્રને પત્ર લખી એમના થકી વડાપ્રધાનશ્રી સુધી પહોંચાડી શકાય. ભાજપ કોંગ્રેસથી પરે રહી ફક્ત સમસ્યાઓ પર ચર્ચા થાય. જેથી અમરેલી જિલ્લાના વિકાસની સાચી માંગણી સાથે રહી કરી શકાય. આ પોસ્ટ જિલ્લાના દરેક નાગરિક સુધી પહોંચે એવી આશા. જેની ઠુંમરની આ પોસ્ટ બાદ અનેક લોકોએ તેના પર કોમેન્ટ કરીને સમસ્યા જણાવી રહ્યા છે.