PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા નૂતન વર્ષાભિનંદન: ગુજરાતની પ્રગતિ અને ‘સ્વદેશી અભિયાન’ પર મૂક્યો ભાર…

અમદાવાદ: ગુજરાતીઓના નુતન વર્ષની સમગ્ર ગુજરાત સહિત દેશના અનેક ખૂણે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિક્રમ સંવત ૨૦૮૨ના શુભારંભ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકો અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
PM મોદીની શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ગુજરાતીમાં શુભેચ્છા પાઠવતા લખ્યું, “નૂતન વર્ષાભિનંદન…!!! આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ.” તેમણે ગુજરાતની ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને તેવી અંતરમનથી પ્રાર્થના કરી હતી.
અમિત શાહની પ્રાર્થના
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, “ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે.”
CM ભૂપેન્દ્ર પટેલનો ‘સ્વદેશી અભિયાન’ પર ભાર
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો અને ગુજરાતી પરિવારોને નૂતન વર્ષાભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ નવું વર્ષ સૌના જીવનમાં નવો ઉત્સાહ, શાંતિ, સુખ-સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમનું સિંચન કરે. તેમણે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સદૈવ જળવાઈ રહે અને રાજ્ય પ્રગતિના પંથે અગ્રેસર રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી. મુખ્ય પ્રધાને આ શુભ અવસરે એક વિશેષ સંકલ્પ લેવા માટે પણ આહ્વાન કર્યું. તેમણે કહ્યું, “નવા વર્ષના શુભ અવસરે આપણે સૌ ‘સ્વદેશી અભિયાન’ ને વધુ બળ આપવાનો સંકલ્પ લઈએ. આવો, સ્વદેશી ઉત્પાદનો અપનાવીને ગુજરાત અને દેશને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં સક્રિય યોગદાન આપી, સમૃદ્ધ રાજ્ય અને શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.”
તે ઉપરાંત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, આપ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના આગેવાનોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.