પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો થયો રિલીઝ, જાણો ગુજરાતના કેટલા ખેડૂતોના ખાતામાં જમા થયા રૂ. બે હજાર

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય ૨૦માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ સંદર્ભમાં રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય પ્રધાન અને રાજ્ય પ્રધાન મંડળના પ્રધાનો સહિત રાજ્યભરના ૩ લાખથી વધુ ખેડૂતોએ વિવિધ સ્થળોએથી વડા પ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્ય પ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે, જનસેવાની ભાવના અને સાચી નિયતથી ખેડૂતહિત અને જનહિતના કામો કેટલી ઝડપથી થાય છે, એ વડા પ્રધાનેન દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમણે જીવાયએએન એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારીશક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતો માટે કામના સમાચાર, જો નહીં કરાવો આ કામ તો પીએમ કિસાન યોજનાનો અટકી જશે ૨૦ મો હપ્તો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી. જે આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, આ યોજનાની ન્યાયી અને પારદર્શી પદ્ધતિના પરિણામે દેશના નાના અને સીમાંત ખેડૂતો સુધી પણ આ યોજનાનો ૧૦૦ ટકા લાભ પહોંચી રહ્યો છે. એટલા માટે જ, આજે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ૧૯ હપ્તામાં કુલ રૂ. ૩.૬૯ લાખ કરોડ જમા થયા છે. વડા પ્રધાનના હસ્તે ૨૦માં હપ્તા હેઠળ દેશના ૯.૭૦ કરોડથી વધુ ખેડૂતોને રૂ.૨૦,૫૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: Gujarat માં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97 ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી…
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, વડા પ્રધાનન નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ખેડૂતો માટે બીજથી બજાર સુધીની વ્યાપક સુલભતા ઊભી થઈ છે. સાથે જ, કૃષિ વિભાગના બજેટમાં પણ પાંચ ગણી વૃદ્ધિ થઈ છે. ગત ૧૧ વર્ષમાં ૨૫ કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવા ઉપરાંત આધુનિક ખેતી અને કૃષિ યાંત્રિકીકરણને વેગ મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચૂકવાયેલા ૧૯ હપ્તા પેટે ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા કુલ રૂ. ૧૯,૯૯૩ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.