ગરબા રમતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક, સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં બની ઘટના
અમરેલીઃ આજે નવમું નોરતું છે. તાજેરમાં પુણામાં ગરબા કિંગ તરીકે ઓળખાતા વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગુજરાતમાં પણ નવરાત્રીમાં ગરબા રમતી વખતે એક યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગત પ્રમાણે, અમરેલીના ધારીમાં આ ઘટના બની હતી.
ધારી ખાતે ગુરૂવારે પાર્ટી પ્લોટમાં ગરબે રમી રહેલા ડાન્સ ટીચરનું હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું. ધારીમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમી રહેલા ધારીના યુવક જાગૃત ગુર્જર (ઉ.વ.37) ને હાર્ટ એટેક આવતાં અચાનક ઢળી પડ્યો હતો. જેથી ગરબામાં હાજર સૌ લોકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં પહોંચતાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક છેલ્લા 10 વર્ષ ગરબાની પ્રેક્ટિસ કરાવતો હતો અને ખાનગી શાળામાં ડાન્સ ટીચર તરીકે પણ નોકરી કરતો હતો. આટલી નાની વયે હાર્ટ એટેક આવતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. રાજ્યમાં ગત વર્ષે ગરબા રમતી વખતે છ જેટલા લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા.
પુણેમાં ગરબા કિંગ ગરબા રમતી વખતે ઢળી પડ્યો
થોડા દિવસ પહેલા પુણેમાં ‘ગરબા કિંગ’ તરીકે ઓળખાતા પ્રખ્યાત ગરબા ડાન્સર અશોક માળીનું તેના પુત્ર સાથે ગરબા રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.
ગરબા રમતી વખતે આ રાખો ધ્યાન
નવરાત્રીમાં ગરબા રમતી વખતે ધબકારા અચાનક વધવા લાગે, અનિયમિત થવા લાગે, છાતીમાં દુખાવો થાય, ગભરામણ જેવું થાય, હાથ પગમાં દુખાવો થાય, ગેસ એસિડિટી જેવું લાગે તો તરત ગરબા રમવાનું બંધ કરીને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ સતત અડધી કલાક સુધી ગરબે રમ્યા બાદ થોડો મિનિટનો બ્રેક લેવો જોઈએ. આ સાથે પૂરતી ઊંઘ પણ જરૂરી છે નહીં તો માથાનો દુખાવો થઈ શકે. આખી રાત ગરબા રમવાથી બીજા દિવસે શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને તથા ઓફિસોમાં કામ કરતા લોકોને પણ સમસ્યા થવાની શક્યતા રહે છે. તેથી આ બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.