આપણું ગુજરાત

ગુજરાતમાં કિસાનોને દિવસે વીજળી આપવાની યોજના ઠપ્પ: ૧૩,૨૬૩ ગામો વંચિત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારે ખેડૂતોને દિવસે અવિરત વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી હતી. કિસાનો વધુમાં વધુ પાક મેળવી શકે તે માટે સિંચાઇની વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના લાગુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ યોજના હેઠળ કિસાનોની આવક બમણી કરવાનો દાવો પણ કર્યો હતો. જોકે વિધાનસભાના ચોમાસા સત્રમાં કિસાન સૂર્યોદય યોજના બાબતે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજ્ય સરકાર પાસે માહિતી માગી હતી. જેમાં કિસાના સૂર્યોદય યોજના ૩૧ માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ જિલ્લા પ્રમાણે કેટલા ગામને સમાવવામાં આવ્યાં. કેટલાં ગામો હજી આ યોજનામાં સમાવવામાં આવ્યાં નથી. સમાવવામાં ન આવ્યાં હોય તેવાં ગામોને ક્યાં સુધીમાં આ યોજનાનો લાભ મળશે. ધારાસભ્યના પ્રશ્ર્નોનો ઊર્જા વિભાગ દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેનાથી કિસાન સૂર્યોદય યોજના પર સવાલો ઊઠી રહ્યા છે.

રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના હેઠળ અત્યાર સુધી માત્ર ૪૦૨૮ ગામોનો સમાવેશ કર્યો છે. હજી જિલ્લાવાર કુલ ૧૩૨૬૩ ગામોને આ યોજનાનો લાભ મળ્યો નથી. સરકારે વધુમાં જણાવ્યું છે કે, કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે બે બાબતો મહત્વની અને જરૃરી છે. હયાત વીજ માળખાનું સુદ્રઢીકરણ અને દિવસ દરમિયાનની વીજ માગને સંતોષવા માટે જરૂરી વીજ ઉત્પાદન થવું જોઇએ. કોઇ પણ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો અમલ કરતાં પહેલા લોકલ એરિયાના હાલના તેમજ આ યોજનાના અમલ કરવાથી થતાં વધારાના વીજ લોડને ધ્યાનમાં રાખીને પ્રવહન માળખાને સશક્તિકરણની જરૂરિયાત રહે છે. જેને માટે નવીન સબ સ્ટેશન અને વીજ રેષાઓનું નિર્માણ કરવું જરુરી છે. આ સુવિધાઓ ઊભી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા વીજ માગ બાબતે માહિતી જાહેર કરતાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રવર્તમાન વૈશ્ર્વિક પરિસ્થિતિમાં કોલસો ગેસ જેવા પરંપરાગત વીજ સ્ત્રોતની તંગી તેમજ તેની ઉપલબ્ધતા અને પરિવહનને લગતી વિવિધ સમસ્યાઓના વિકલ્પે બિનપરંપરાગત ઊર્જાનું મહત્તમ ઉત્પાદન જરૂરી બન્યું છે. તેમાંય ખાસ કરીને સૌર ઊર્જા જે દિવસ દરમિયાન ઉપલબ્ધ હોય છે અને તેથી સૌર ઊર્જાના ઉત્પાદનમાં મહત્તમ ઉત્પાદન થતી ખેડૂતોને દિવસે વીજળી આપી શકાય છે.
આવનાર દિવસમાં જેમ સૂર્ય આધારિત વીજ ઉત્પાદનમાં વધારો થશે તેમાં દિવસ દરમિયાન સૂર્ય આધારિત વીજળીની પ્રાપ્યતા વધશે. આથી ગુજરાત રાજ્યમાં સૂર્ય આધારિત વીજળીનું ઉત્પાદન શકય તેટલુ વધારીને તે વીજળી કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને આપીને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે.

પીએમ કુસૂમ-સી યોજના અન્વયે ફીડર લેવલ સોલરાઇઝેશન થકી તમામ ખેતીવાડી ફીડરનું સોલરાઇઝેશન કરવાનું આયોજન છે. અગામી ત્રણ વર્ષમાં હાલની સોલાર જનરેશનની સ્થાપિત ક્ષમતા ૫૩૪૫ મેગાવોટથી વધારી ૧૮૦૦૦ મેગાવોટ કરવાનું આયોજન છે. રાજ્યમાં સોલાર જનરેશન પ્લાન્ટ કાર્યરત થશે તેમ તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજનાનું અમલીકરણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button