જાત મહેનત ઝિંદાબાદઃ ગામમાં વીજળી ગૂલ થઈ તો ગ્રામજનોએ પોતાની મેળે કર્યુ આ કામ…
છોટાઉદેપુરઃ આ અઠવાડિયામાં ગુજરાત આખુ જળબંબાકાર થયું હતું અને છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા જનજીવન પાટે ચડી રહ્યું છે. વરસાદની ઋતુમાં શહેરો અને ગામડાઓની સમસ્યાઓ અલગ અલગ હોય છે. ગામડામાં વરસાદ આવતા સંપર્ક છૂટી જાય છે અને પાણી વીજળી સહિતની સમસ્યાઓ ઊભી થાય છે. આમ તો આટલા વરસાદમાં પણ ગુજરાત વીજ કંપનીએ ઘણું સારું કામ કર્યું છે, પણ એક ગામ એવું છે જે તેમની સેવાઓથી સંચિત રહી ગયું તો તેમણે પોતે જ ગામનું કામ કરી નાખ્યું.
આ પણ વાંચો : Vadodara માં હવે લોકોના આક્રોશનો ભોગ બની રહ્યા છે ધારાસભ્યો અને કોર્પોરેટરો
છોટાઉદેપુરના હાફેશ્વર ગામમાં 13 અલગ અલગ ફળિયા આવેલા છે. ઉત્તલધરા ફળિયામાં પંદર દિવસ પહેલા વીજ લાઈનમાં સર્જાયેલા ફોલ્ટના કારણે ટ્રાન્સફોર્મર બળી ગયું હતું અને તેના કારણે 150 જેટલા મકાનોનો વીજ સપ્લાય ખોરવાઈ ગયો હતો. વારંવાર વીજ કંપનીને કરેલી રજૂઆત બાદ નવુ ટ્રાન્સફોર્મર ફાળવવામાં આવ્યું હતું, પણ આ ટ્રાન્સફોર્મરને ગામમાં નિયત જગ્યાએ પહોંચાડવાની જગ્યાએ છેવાડે મૂકીને કર્મચારીઓ રવાના થઈ ગયા હતા. ત્યારે ગરીબ આદિવાસી લોકોએ અંધારામાંથી મુક્તિ મેળવવા માટે લાકડાના ટેકે 1000 કિલો વજનના ટ્રાન્સફોર્મરને જૂના ટ્રાન્સફોર્મરની જગ્યાએ ફિટ કરવા માટે લઈ ગયા હતા. હાફેશ્વર ગામમાં કાચા રસ્તા પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ હોય છે. ત્યારે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી વેઠીને જાતે ટ્રાન્સફોર્મર ઉંચકવાની મજૂરી કરવી પડી હતી.