ગુજરાતના છોકરાઓનું મન મેડિકલ કોર્સ પરથી ઊઠી ગયું કે શું, પીજી મેડિકલની સિટ્સ ન ભરાઈ

અમદાવાદઃ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં એન્જિનિયરિંગ કૉલેજોમાં બેઠકો ખાલી રહેતી હોય છે, પરંતુ ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુઅટ મેડિકલની બેઠક ખાલી રહી હોવાનું એક અહેવાલ જણાવે છે.
અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમ માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા પછી, સમગ્ર ગુજરાતમાં ફાળવેલ 672 જેટલી બેઠકો ખાલી રહી છે. પ્રવેશ સમિતિએ 2,119 ઉમેદવારોને બેઠકો ફાળવી હતી, પરંતુ તેમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ મેળવ્યો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે બીજે મેડિકલ કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ બેઠકો મેળવનારા કેટલાક ઉમેદવારોએ પણ પ્રવેશ લીધો નથી.
આ પણ વાંચો : ગુજરાતને વધારાની 250 પીજી મેડિકલ સીટ મળશેઃ નિષ્ણાત ડોક્ટરોની અછત દૂર થશે
જાણીતી અને પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજમાં પીજી કોર્સ માટે એડમિશન લેવાનું ખૂબ જ અઘરું અને સ્પર્ધાત્મક માનવામાં આવે છે. ગુજરાતમાં કુલ 2,373 પીજી મેડિકલ બેઠકો છે, જેમાંથી 2,119 પ્રથમ રાઉન્ડમાં ફાળવવામાં આવી હતી. 254 બેઠકો 94 સરકારી ક્વોટામાં, 146 એનઆરઆઈ ક્વોટાની બેઠકો અને 17 ઇન-સર્વિસ બેઠકોની ફાળવણી થઈ ન હતી.
સિટ અલોટમેન્ટ બાદ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પોતાનું એડમિશન કન્ફર્મ કરવાનું હોય છે, આ સમયમર્યાદા પૂરી થયા બાદ 672 બેઠક ખાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : કોલકાતાના બનાવ પરથી ગુજરાત સરકારે ધડો લીધોઃ સરકારી મેડિકલ કૉલેજોમાં સુરક્ષા વધારી
આનું એક કારણ એ હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ ઑલ ઈન્ડિયા ક્વોટામાં એડમિશન લેવા માગતા હોય છે. આથી તેઓ રાજ્ય સ્તરની બેઠક સ્વીકારવાનું ટાળતા હોય છે. આ સાથે અમુક કૉલેજોમાં ફી ઊંચી હોય તો વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડના અલોટમેન્ટની રાહ જૂએ છે, જેથી તેઓને પોષાય તેવી ફીમાં અભ્યાસ કરવાનો મોકો મળે.
આ દરમિયાન નેશનલ મેડિકલ કમિશન રાજ્યની આઠ મેડિકલ કોલેજોમાં 232 નવી પીજી બેઠકોને મંજૂરી આપી છે. આ બેઠકોનો પ્રથમ રાઉન્ડમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો અને હવે તે બીજા રાઉન્ડમાં ઓફર કરવામાં આવશે. પ્રવેશ નિયમો હેઠળ, બીજા રાઉન્ડમાં બેઠકો ફાળવવામાં આવેલા ઉમેદવારોએ ફરજિયાતપણે તેમના પ્રવેશની પુષ્ટિ કરવી આવશ્યક છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે 28,000 રૂપિયાની ડિપોઝિટ જપ્ત થાય છે. આનાથી અરજી કરનારા વિદ્યાર્થી અને પ્રવેશ સમિતિ બંને માટે બીજો રાઉન્ડ મહત્વપૂર્ણ છે.
પેરા-મેડિકલ સિટ્સ ખાલી રહે છે, પરંતુ પીજી મેડિકલ કૉલેજોમાં આટલી મોટી સંખ્યામાં જગ્યા ખાલી રહેવાનું શિક્ષણજગતમાં આશ્ચર્યજનક માનવામાં આવે છે.



