આપણું ગુજરાત

મેડિકલમાં પીજી સિટ્સનો ત્રીજો રાઉન્ડ મુલતવી રખાયો, કમુરતા પછી થવાની સંભાવના

અમદાવાદઃ ગુજરાતની મેડિકલ પીજી સિટ્સ માટેનો ત્રીજો કાઉન્સિલિંગ રાઉન્ડ હવે 15મી જાન્યુઆરી પછી થવાની સંભાવના છે. આ વિલંબનું કારણ એડિમશન માટેના પર્સન્ટાઈલને નીચા લાવવાના પ્રસ્તાવ અંગે ચાલી રહેલી સુનાવણી હોવાનું માનવામાં આવે છે.

પ્રવેશના પહેલા બે રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં, નોંધપાત્ર સંખ્યામાં બેઠકો ખાલી રહી છે. પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજા રાઉન્ડ માટે 635 ઉપલબ્ધ છે. 354 બેઠક શરૂઆતના રાઉન્ડ પછી ખાલી રહી હતી, જ્યારે 163 બેઠક ઉમેદવારોને સિટ્સ ફાળવાઈ હોવા છતાં તેમણે સ્વીકારી ન હોવાથી ખાલી રહી હતી. આ સાથે રાજ્ય સરકારે નવી 118 બેઠક મંજૂર કરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં પીજી સંચાલકો સામે તંત્રની લાલ આંખઃ આ પોશ વિસ્તારમાં 11 એકમ કર્યા સીલ

જે કૉલેજોની પીજી સિટ્સ વધારવાની અપીલ અગાઉ રિજેક્ટ કરવામાં આવી હતી, તેમણે ફરી કરેલી અપીલને લીધે પણ એડમિશનની પ્રક્રિયામાં મુંઝવણો ઊભી થઈ હતી. હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સમક્ષ સુનાવણી ચાલી રહી છે અને 10 જાન્યુઆરી સુધીમાં પૂરી થવાની અપેક્ષા છે. કઈ સંસ્થાઓને વધારાની બેઠકો આપવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં અપેક્ષિત છે, જેથી આગામી રાઉન્ડમાં આ નવા સ્લોટ્સનો સમાવેશ કરી શકાય, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

જોકે જેઓ એડિમશન રાઉન્ડની રાહ જોઈને બેઠા છે તેવા વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ક્વોલિફાઈ થવાના પર્સન્ટાઈલમાં ઘટાડો થવાની સંભાવના છે.

જો પર્સન્ટાઈલ ઘટાડવામાં આવશે, તો પ્રવેશ સમિતિ શરૂઆતથી નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરશે. આ તમામ લાયક ઉમેદવારોને લાગુ પડશે, જેમાં હાલના માપદંડો હેઠળ ત્રીજા રાઉન્ડ માટે નોંધણી કરાવનારા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. જોકે હજુ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button