આપણું ગુજરાત

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી દાખલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં દારૂ વેંચવા અને પીવાની મંજૂરી આપતાં ગુજરાત સરકારના વિવાદિત જાહેરનામાને પડકારતી પીઆઈએલ ગુજરાત હાઈ કોર્ટમાં દાખલ થઈ છે. ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ મુદ્દા પર દાખલ થયેલી આ પીઆઈએલમાં રાજય સરકાર, નાર્કોટિક્સ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગના સત્તાવાળાઓને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

કેસની વિગત મુજબ અરજદારપક્ષ દ્વારા હાઈ કોર્ટમાં કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, સમગ્ર ગુજરાત રાજયમાં દારૂના દૂષણ પર પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા તા.૨૨-૧૨-૨૦૨૩ના જાહેરનામા મારફતે રાજયના પાટનગર એવા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવનાર મહેમાનો અને ત્યાં કામ કરતાં કર્મચારીઓ-અધિકારીઓને દારૂ પીવાની વિવાદિત પરવાનગી આપી છે. અરજદારપક્ષ તરફથી ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપતાં વિવાદિત જાહેરનામાને રદબાતલ ઠરાવવા માટે નાર્કોટિક્સ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની સાથે સાથે રાજયના મુખ્ય પ્રધાન, રાજ્યપાલ, ડીજીપી સહિતના સત્તાવાળાઓને પણ રજૂઆત કરી છે. દારૂબંધીવાળા રાજયમાં આ પ્રકારે દારૂની છૂટ આપીને સરકાર એક પ્રકારે જાણે ધનાઢય-સંપન્ન વ્યકિતઓ અને આવા તત્ત્વોની જાણે હાથો બની ગઈ હોય તેમ જણાય છે. માત્ર ૫૦૦ કરોડની મિલકતના સોદાઓ અને ૧૦૮ કરોડની કલબ મેમ્બરશીપ માટે સંપન્ન વ્યક્તિઓના હિત માટે અને તેઓના લાભ માટે સરકારના સત્તાવાળાઓ દ્વારા આવો ગેરકાયદે નિર્ણય લેવાયો છે, જે કોઈપણ પ્રકારે વાજબી કે યોગ્ય કહી શકાય નહીં અને તે રદબાતલ થવા પાત્ર ઠરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં રાજયના ઘણા સ્થળોએ દારૂ પકડાય છે અને ડ્રન્ક એન્ડ ડ્રાઈવના કારણે નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે ત્યારે લોકોના મનમાં એક પ્રકારનો ડર જન્માવે છે. લઠ્ઠાકાંડની ઘટનાઓમાં પણ કેટલીય મહિલાઓ વિધવા બની છે ત્યારે ગુજરાત સરકારને આ પ્રકારે દારૂની મંજૂરી આપવાના વિવાદિત નિર્ણયને લઈ હાઈ કોર્ટે દરમિયાનગીરી કરવી જોઈએ અને સરકારનું આ અંગેનું વિવાદિત જાહેરનામું રદબાતલ ઠરાવવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…