‘સ્માર્ટ મીટરનું બેસણું’ વડોદરાની પ્રજાએ વીજ કંપની સામે માંડ્યો અનોખો વિરોધ
વડોદરા : રાજ્યમાં ચૂંટણી બાદ વીજ કંપની બાદ સ્માર્ટ મીટર (Smart meter) લાગુ કરવાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. લોકોમાં સ્માર્ટ મીટર લાગુ કરવાને લઈને ભારે વિરોધ વ્યાપ્યો છે. સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાના સુભાનપૂરા વિસ્તારમાં વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરના ફોટા પર હાર પહેરાવીને તેના બેસણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. મહિલાઓએ વીજ કંપનીની ઓફિસે પહોંચીને જૂના મીટર પાછા આપોના નારા લગાવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલ લોકોએ કહ્યું હતું કે, “અમે મળીને MGVCLની સુભાપૂરા કચેરી ખાતે એટલા માટે આવ્યા છીએ કે તમામ લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જો કે સ્માર્ટ મીટરના વીરોધ બાદ સરકારે સ્માર્ટ મીટર લગાવવાના બંધ કરી દીધા છે પરંતુ જેમના ઘરોમાં લગાવવાંઆ આવ્યા છે તેમને આજે રોજનું 400 રૂપિયા બિલ આવે છે. જ્યારે તે લોકોની આવક જ 400 રૂપિયા નથી તે લોકોને આટલું બિલ આવે છે. આ વાતને લઈને વિરોધ છે.
સ્માર્ટ મીટરને લઈને રાજ્યમાં ભારે રોષ ભભૂકયો છે. વિપક્ષે આ મુદ્દે પ્રજાને લૂંટીને અદાણીને લાભ અપાવવાના આરોપ લગાવી રહ્યું છે. લોકોમાં પણ સ્માર્ટ મીટરને લઈને રોષ છે, લોકો જૂના મીટર યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે. જ્યારે સરકાર અને વીજ કંપનીઓ આ બાબતે લોકોમાં સમજણ પ્રસરાવીને આગળ વધવાની તરફેણમાં છે. હાલ તો સરકારે સ્માર્ટ મીટરની અમલવારી હાલપૂરતી બંધ રાખી છે.