ગુજરાતના સહકારી ક્ષેત્રના લોકોએ પીએમ મોદીનો માન્યો આભાર: 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતના સહકારી ક્ષેત્રના લોકોએ પીએમ મોદીનો માન્યો આભાર: 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સહકારી માળખાનો અભૂતપૂર્વક વિકાસ થઈ રહ્યો છે, જેના પરિણામે પશુપાલકો-ખેડૂતો આર્થિક અને સામાજિક રીતે ખૂબ સદ્ધર બન્યા છે. સહકારી ક્ષેત્રે લેવાયેલા લોકહિતકારી નિર્ણયો બદલ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ મારફત વડા પ્રધાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વડા પ્રધાનના જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫થી અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.

પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર દેશ માટે અંદાજે ૧.૫૦ કરોડ પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે, જ્યારે માત્ર ગુજરાતના સહકાર ક્ષેત્ર દ્વારા ખુબ જ ટૂંકા સમયગાળામાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.

આ લખેલા પોસ્ટકાર્ડોનું, આત્માનિર્ભર ભારત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, વિકસિત ભારત 2047, ઓપરેશન સિંદૂર, અટલ બ્રિજ, આપણી મેટ્રો વગેરે જેવી થીમ ઉપરનું, પ્રદર્શન વલ્લભ સદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેનો જાહેર જનતા તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૫ સુધી લાભ લઈ શકશે.

આ પણ વાંચો: માતાની સલાહથી પ્રેરાયેલી 25 વર્ષની લોકસેવા, મોદીએ વાગોળી અવિસ્મરણીય યાત્રા

વડા પ્રધાનના નેતૃત્વમાં જીએસટીમાં ઘટાડો, મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત અભિયાન જેવા લેવામાં આવેલા વિવિધ પગલાંઓના પરિણામે ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂત સૌ માટે સુખાકારીનો નવો યુગ શરૂ થયો છે.
વધુમાં, જીએસટી સુધારણાના પગલાંથી ઉપકરણો, ખાતર, બિયારણ બધું જ સસ્તું થયું છે, જેથી ખેડૂતો પાસે પૈસાની વધુ બચત થઈ છે અને આર્થિક રીતે સશક્ત બન્યા છે. આમ, ડેરી અને કૃષિ ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તનને પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ખૂબ સારો વેગ મળ્યો છે.

સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શનમાં રાજ્યમાં આવેલ ૧૨૦૦૦ ગામડાઓમાં આવેલ દૂધ ઉત્પાદક મંડળીઓ, પ્રાથમિક સેવા સહકારી મંડળીઓ, માર્કેટિંગ સોસાયટીઓ, પ્રોસેસિંગ સોસાયટીઓ,તથા અન્ય મંડળીઓ એમ કુલ ૨૮,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ તથા સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, સેન્ટ્રલ કો-ઓપ. બેંક, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, દૂધ સંધો, ગુજરાત રાજ્ય કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન, ખરીદ-વેચાણ સંધોના સભાસદો દ્વારા વડા પ્રધાનને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button