મહીસાગરઃ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા પાંચમાંથી એકનો મૃતદેહ મળ્યો, ચારની ચાલી રહી છે શોધખોળ…

મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમમાં ગુરુવારે અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી નજીક આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતાં પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા હતા.
જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાના 28 કલાક બાદ એક કર્મીનો મૃતદેહ મળ્યો હતો. ગોધરાના રણછોડપુરાના નરેશકુમાર લક્ષ્મણભાઈ સોલંકી નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે હજુ ચાર વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.

એસપીએ શું કહ્યું
મહીસાગર જિલ્લાના એસપી સફિન હસને જણાવ્યું કે, પાવરહાઉસની અંદરથી એક મૃતદેહ મળી આવ્યો છે. બાકીના કામદારોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતદેહો પાણીમાં તણાઈ ગયા હોવાની શક્યતા છે, પરંતુ ટીમોએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. જે મૃતદેહ મળ્યો છે, તેને પરિવારને સોંપતા પહેલા પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે.
હસને જણાવ્યું કે બચી ગયેલા લોકોએ પોલીસને માહિતી આપી છે કે ગુરુવારે બપોરે તેઓ જ્યાં કામ કરી રહ્યા હતા તે વિસ્તારમાં અચાનક પાણીનો પ્રવાહ આવ્યો હતો.
જેના કારણે 15 કામદારોમાંથી કેટલાક રેલિંગની મદદથી બહાર નીકળવમાં સફળ રહ્યા હતા. મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જણાવ્યું કે બચાવ કામગીરી બાદ, જો કોઈ બેદરકારી જણાશે તો નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુમ થયેલા લોકો શૈલેષ રાયજી માછી, શૈલેષ રમણ માછી, ભરત અખમા પદારિયા, અને અરવિંદ ડામોર છે. તમામ મહીસાગર જિલ્લાના રહેવાસી છે. તેમને શોધવા માટે ગાંધીનગર એનડીઆરએફની 30 કર્મચારીઓની એક બટાલિયન, 45 એસડીઆરએફ જવાનો અને આઠ ફાયર ઓફિસર સ્થળ પર હાજર છે.
શું હતી સમગ્ર ઘટના?
મહીસાગર નદીમાં પાણી છોડાતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં 4 સપ્ટેમ્બરના રોજ પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ડૂબ્યા હતા.
આ પણ વાંચો…ધરોઈ ડેમમાંથી પાણી છોડાયુ: સાબરમતી ગાંડીતૂર, કાંઠા વિસ્તારમાં પૂરનો ભય!