દ્વારકા નજીક પદયાત્રીઓ કાર તળે ચગદાયાં: ત્રણનાં મોત, એકની હાલત ગંભીર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે ચાલી રહેલા વેકેશન દરમિયાન લોકો યાત્રાધામો પર પદયાત્રા કરીને બાધા પુરી કરવા દર્શને જઇ રહ્યાં છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આવાં પદયાત્રીઓના માથે કાળ ભમી રહ્યો હોય એમ અવારનવાર પદયાત્રીઓ પર વાહનો ફરી વળવાની ઘટનાઓ વધી રહી છે.
જામનગર ખંભાળિયા હાઇવે પર મેઘપર ગામ નજીક એક ફોર વ્હીલર દ્વારા દ્વારકા જતા પદયાત્રીને અડફેટે લેતા ત્રણનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક જામનગરની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર ગુરુવારે વહેલી સવારે જામનગર નજીક રિલાયન્સના ગેટ પાસે ચાર પદયાત્રીઓ પસાર થઇ રહ્યાં હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે તેમને અટફેટે લીધાં હતાં. જેમાં ત્રણ લોકોના સ્થળ પર કમકમાટી ભર્યા મોત થયાં હતા જ્યારે બીજા એકની હાલત ગંભીર હોવાથી તેને નજીકની જામનગરની જી જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મતતકોના નામ અને અકસ્માત સર્જનારાં કારચાલકની ઓળખ મોડે સુધી થઇ શકી નહોતી. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક પડાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.