Paytm ગીફ્ટ સિટીમાં ગ્લોબલ પેમેન્ટ પ્લેટફોર્મ શરુ કરશે, રૂ.100 કરોડના રોકાણની યોજના

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરની બાજુમાં વિકસાવવામાં આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ ટેક સિટી(GIFT City)માં દેશ વિદેશની ઘણી કંપનીઓ અને બેંકોએ રોકાણ કર્યું છે. Paytm પણ ગીફ્ટ સિટીમાં રોકાણ કરવાનું આયોજન બનાવી રહી છે. Paytm CEO વિજય શેખર શર્માએ શનિવારે જણાવ્યું હતું કે, GIFT સિટીમાં આવેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) ખાતે ગ્લોબલ પેયમેન્ટ ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે કંપની રૂ. 100 કરોડના રોકાણ કરવાની યોજના ધરાવે છે.
Paytm CEO વિજય શેખર શર્મા ‘ઈન્ફિનિટી ફોરમ 2.0’ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે ગિફ્ટ સિટી આવ્યા હતા, જ્યાં ફીન ટેક ક્ષેત્રના લીડર્સે ગિફ્ટ સિટીને કેવી રીતે આગળ લઈ જવું તેની ચર્ચા કરી.
ઇવેન્ટની બાદ મીડિયા સાથે વાત કરતા વિજય શેખર શર્મા જણાવ્યું હતું કે, અમે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ પેમેન્ટ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. અમારું માનવું છે કે અહીંથી ગ્લોબલ પેમેન્ટને વિસ્તૃત કરવાની તક છે જેને ધ્યાનમાં રાખીને અમે ગિફ્ટ સિટીમાં રૂ. 100 કરોડથી વધુનું રોકાણ કરીશું. અમે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન યોજના અંગે વધુ જાહેરાત કરીશું.
વિજય શેખર શર્માએ વધુમાં જણાવ્યું હતું કે પેટીએમ ગિફ્ટ સિટી ખાતે આયોજિત એક્સિલરેટર પ્રોગ્રામ્સમાં પણ ભાગ લેવા માંગે છે. બધા જ ફાયનાન્સ બાબતે ગંભીર છે પરંતુ માત્ર ગુજરાત જ ફિનટેક માટે ગંભીર હોય એવું દેખાઈ રહ્યું છે. અમે Paytm પર ફિનટેક ક્ષેત્રના ચેમ્પિયન છીએ. અમે અહીં રોકાણ કરવા આતુર છીએ. ગુજરાત એક વિશિષ્ટ સ્થાન છે કારણ કે તે પહેલાથી જ એક સમૃદ્ધ ફિનટેક ઇકોસિસ્ટમ ધરાવે છે, અને વિસ્તરણ માટે વધુ અવકાશ છે. તેમના જણાવ્યા અનુસાર, Paytmનો લગભગ 15% બિઝનેસ ગુજરાતમાંથી આવે છે.
GIFT સિટી ખાતેનું ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં ફિનટેક ક્ષેત્રની 500 સંસ્થાઓની ઓફીસ આવેલી છે.