પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી…સાડા ત્રણ લાખ ભક્તોએ કર્યા દર્શન
હાલમાં પાવલી તો ચલણમાં નથી, પરંતુ માતા પ્રત્યેનો ભક્તોનો પ્રેમ યથાવત છે ને માતાજી પણ પોતાની કૃપા વરસાવતા રહે છે એટલે જ નવરાત્રીના પહેલા બે દિવસમાં જ લગભગ સાડાત્રણ લાખ આસપાસ લોકોએ પાવાગઢ જઈ માતાના દર્શન કર્યા હતા. સુપ્રસિદ્ધ ચાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા મહા કાલિકા મંદિરે આસો નવરાત્રીના પ્રથમ અને બીજા નોરતે માતાજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટયું હતું. નવરાત્રીના બે દિવસમાં 3.50 લાખથી વધુ ભકતોએ મહાકાલી માતા દર્શન કર્યા હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ પાવાગઢમાં કાલિકા મંદિરનું વહેલી પરોઢે 5:00 વાગે મહાકાળી માતાજી મંદિરના નિજ દ્વાર ભક્તજનોના દર્શનાર્થે ખોલી દેવામાં આવે છે. નવરાત્રીને બે દિવસ દરમિયાન 3.50 લાખથી વધારે ભક્તોએ લાંબી લાંબી કતારોમાં જોડાઈ શ્રદ્ધા ભાવ અને આસ્થા સાથે માતાજીના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી હતી.
રવિવારની મધ્ય રાત્રિથી મોડી સાંજ સુધીમાં બે લાખથી વધારે અને સોમવારે બીજા નોરતે દોઢ લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન માટે પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન શ્રધ્ધાળુઓની ભારે ભીડ અને ખુબ જ ગરમીને લીધે અનેક વૃદ્ધો તથા મહિલાઓએ ગભરામણ થવી ચક્કર આવવા, બીપી વધવા કે ઘટવા સહિતની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.જેને પગલે અગાઉથી જ તૈયાર કરવામાં આવેલા તબીબી કેન્દ્રો ખાતે સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા પહેલા અને આઠમા નોરતે વહેલી પરોઢે 4:00 વાગ્યાના અને અન્ય દિવસો દરમિયાન વહેલી પરોઢે 5:00 વાગે મહાકાળી માતાજી મંદિરના નિજ દ્વાર ભક્તજનોના દર્શનાર્થે ખોલી દેવામાં નક્કી કરવામાં આવ્યું છે.