પાટીદાર સમાજ રૂપાલાના પડખે, સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનર
સુરેન્દ્રનગર: લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને ગુજરાતનો રાજકીય માહોલ જોરદાર ગરમ છે. લોકસભા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને (Parshottam Rupala) રાજપુત સમાજ પરના નિવેદનને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરના કથિત ‘રોટી બેટીના વ્યવહાર’ વાળા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોઈવા મળી રહ્યો છે.
ગુજરાતભરમાં રાજપુત સમાજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે અને રૂપાલાને ચૂંટણી નહીં લડવવાની માંગ કરી રહ્યા છે. જેને લઈને ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે ભાજપ હાઇકમાન્ડ પણ રૂપાલાની ટિકિટ નહીં કાપવાનો મક્કમ નિર્ણય કરી ચૂક્યું છે.
આ મુદ્દાના જોરશોર વિરોધ વચ્ચે પાટીદાર સમાજ પણ રૂપાલાની પડખે ઊભો થયો છે. પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમા સુરેન્દ્રનગરમાં બેનરો લાગ્યા છે. હવે જે લડાઈ રૂપાલા vs ક્ષત્રિય સમાજ વચ્ચે હતી તે હવે આગળ વધીને પાટીદાર સમાજ સામે પણ જઈ રહી છે
તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરમાં પાટીદાર સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવવામાં આવ્યા છે. પાટીદાર સમાજે વઢવાણ રોડ પર એક બેનર લગાવીને પરષોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે, જેમાં લખેલું છે કે ટિકિટ રદ ન થવી જોઈએ. પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનરો લગતા જિલ્લાનું સ્થાનિક રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.
આ વિરોધમાં બે રાજવી પરિવારોની પણ એન્ટ્રી થઈ છે. વઢવાણ અને ભાવનગરના રાજવી પરિવારોએ પણ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે પોતાના સૂર પુરાવ્યા હતા. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.
જ્યારે વઢવાણના રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.