બિન-અનામત આયોગમાં ખાલી જગ્યાઓ ભરો, નહીં તો આંદોલન: પાટીદાર અને રાજપૂત સમાજની સરકારને ચીમકી…

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન પૂરું થયા બાદ સરકારે પાટીદારોની માગણી સ્વીકારતા સમયે આર્થિક નબળા વર્ગો માટે ઈડબલ્યુએસની જાહેરાત કરી હતી. તેની સાથે સાથે બિન-અનામત આયોગની પણ જાહેરાત કરી હતી. આ બિન-અનામત આયોગના ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિમણૂક બાકી છે, જેથી અસંતોષ વધી રહ્યો છે.
12 ઓગસ્ટ મંગળવારના રોજ બિન-અનામત આયોગમાં નિમણૂક મુદ્દે પાટીદાર-રાજપૂત સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળી રજૂઆત કરી હતી, આ સાથે જ જો 25 ઓગસ્ટ સુધીમાં પદો નહીં ભરાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
બેઠકમાં કોણ કોણ રહ્યું હાજર?
બિન-અનામત આયોગમાં નિમણૂક મુદ્દે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોએ ઝડપથી બિન-અનામત આયોગમાં બાકી રહેલાં પદો પર નિમણૂક થાય એવી રજૂઆત કરી હતી. આ બેઠકમાં પાટીદાર આગેવાનોમાં દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, પૂર્વી પટેલ સહિતના આગેવાનો તથા અનેક ક્ષત્રિય એકતા મંચના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
રાજપૂત સમાજના અગ્રણી અને રાજપૂત એકતા મંચના કન્વીનર સહદેવસિંહએ જણાવ્યું હતું કે બિન-અનામત આયોગના ચેરમેન, વાઇસ-ચેરમેન અને ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, જે તાત્કાલિક ભરવામાં આવે એવી રજૂઆત લઈને મુખ્ય પ્રધાનને મળવા ગયા હતા. જો પાટીદાર આંદોલન થશે તો અમે પણ તેમની સાથે છીએ.
કેટલી અરજી પેન્ડિંગ છે?
બિન-અનામત નિગમમાં ચેરમેનની ગેરહાજરીથી હાલ 3200થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે. આના કારણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન, ભોજન બિલ સહાય અને કોચિંગ સહાય જેવી યોજનાઓનો લાભ મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.