પાટણના ચા વાળાને આવકવેરા વિભાગે ફટકારી રૂપિયા 49 કરોડની નોટિસ!

અમદાવાદ : ગુજરાતનાં પાટણના (Patan) એક ચા વાળાને (Tea Seller)આવકવેરા વિભાગ (Income tax Department) તરફથી નોટિસ મળી છે. જેમાં તેને બેન્ક એકાઉન્ટમાં 34 કરોડ રૂપિયાના અનૈતિક વ્યવહારો બદલ રૂપિયા 49 કરોડનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બંને ભાઈઓ દસ વર્ષથી ચા વેંચે છે. આ નોટિસ મળવા પાછળનું કારણ તેમના ઓળખપત્રનો કોઈએ છેતરપિંડીથી ઉપયોગ કર્યાનું ખૂલ્યું છે. આ મામલે પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ખેમરાજ દવે મૂળ બનાસકાંઠાના કાંકરેજના વતની છે. તેઓ 2014 થી પાટણ કોમોડિટી માર્કેટમાં ચાની દુકાન ચલાવે છે.
ખેમરાજ દવેએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે 2014થી પાટણના કોમોડિટી માર્કેટમાં દલાલીનો ધંધો કરતાં મૂળ મહેસાણાના ઊંઝાના વતની વિપુલ પટેલની ઓફિસમાં તેઓ ચા આપતા હતા. તે જ વર્ષે દવેએ તેના બેન્ક ખાતા સાથે પાન કાર્ડ મેળવવા માટે વિપુલ પટેલના ભાઈ અલ્પેશ પટેલની મદદ મેળવી હતી. આ માટે તેમણે અલ્પેશને પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ અને આઠ ફોટોગ્રાફ્સ આપ્યા હતા.
બીજા જ દિવસે અલ્પેશ ચાની હોટલે આવ્યો હતો, જ્યાં તેણે તેમની તેમના વિવિધ પુરાવાઓ પર સહી લીધી હતી. તેનું આધાર કાર્ડ પાછું આપી દીધું હતું પરંતુ તેની નકલ તેને આવકવેરા વિભાગની ઓફિસે જમા કરાવવાનું કહીને રાખી હતી. આ બાદ 2023ના વર્ષે ખેમરાજ દવેને આવકવેરા વિભાગ તરફથી પ્રથમ નોટિસ મળી હતી અને તે પછી અન્ય એક નોટિસ પણ મળી હતી. પરંતુ પોતે અંગ્રેજી ભાષામાં આવેલ નોટિસને વાંચી શકે તેમ ન હોય એકપણ નોટિસનો જવાબ આપ્યો નહોતો.
આ પણ વાંચો : નાંદેડમાં આવકવેરા વિભાગના દરોડામાં જપ્ત થયેલ રોકડ રૂપિયાને ગણતાં જ અધિકારીઓને 14 કલાક લાગ્યા ..
ત્યારબાદ ત્રીજી નોટિસ મળી ત્યારે તેમણે વકીલને આ બાબતે જણાવ્યું હતું, ત્યારે જાણ થઈ કે આ આવકવેરા વિભાગ તરફથી દંડ ભરવા માટેની નોટિસ છે. જેમાં 2014-15 અને 2015-16ના વર્ષના થયેલા વ્યવહારોને લઈને દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ પોતાનું અકાઉન્ટ તપાસતા આવો કોઈ વ્યવહાર મળ્યો ન હતો. ત્યારબાદ તેમણે આઇટી વિભાગના અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે તપાસ કરી જણાવ્યું હતું કે તેમના નામનું કોઈ અન્ય એકાઉન્ટ પણ ચાલે છે.
ત્યારબાદ ખેમરાજ દવેએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે તેમનું આ ખાતું વિપુલ અને અલ્પેશ બંને ભાઈઓ દ્વારા ચલાવવામાં આવે છે. ખેમરાજના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત બંનેની હાલ પૂછપરછ કરવામાં આવી છે પરંતુ તેમની ધરપકડ હજુ કરવામાં નથી આવી. તે બંને ભાઈઓ વિરુદ્ધ પાટણ બી ડિવિઝનમાં વિશ્વાસભંગ, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજોને અસલી ગણી રજૂ કરવા, ઉશ્કેરણી સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે.