પાટણ ‘ડમી કેન્ડિડેટ કેસ’માં સાત વર્ષ પછી આરોપીને કોર્ટે ફટકારી સજા, જાણો સમગ્ર કેસ?
પાટણ: પાટણમાં બહુચર્ચિત ડમી કેન્ડિડેટ કેસમાં આખરે સાત વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. પાટણની ન્યાયિક અદાલતે ત્રણ આરોપીને એક વર્ષની જેલ અને દસ-દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ નહીં ભરે તો વધુ બે મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. પાટણમાં વર્ષ 2018માં દસમા ધોરણની પરીક્ષામાં ડમી ઉમેદવાર બનાવીને પરીક્ષા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરતમાં બની રહસ્યમય ઘટના, યુવકને ન થયું દર્દ કે ન નીકળ્યું લોહી ને કપાઈ ગઈ ચાર આંગળી
વર્ષ 2018નો બનાવ
વર્ષ 2018માં પાટણની લોર્ડ કૃષ્ણા સાયન્સ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં ત્રણ ડમી ઉમેદવારે પરીક્ષા આપી હતી. ત્યાર બાદ તેમની વિરુદ્ધ બાલીસણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટમાં જતાં જ્યુડિશિયલ કોર્ટે સુનાવણી કરી હતી. હવે સાત વર્ષે ત્રણેય આરોપીને દોષી ઠેરવતા સજા ફટકારી છે.
સ્કૂલ અને બોર્ડને છેતરવાનો ઉદ્દેશ
આ કેસમાં સજા ફટકારતા ન્યાયાધીશ યુ. એસ. કાલાણીએ કહ્યું કે આ કેસમાં બંને પક્ષોના નિવેદનો પર વિચાર કરવામાં આવ્યો છે. આ બનાવમાં આરોપી સામેનો આરોપ સાબિત થયો છે કે તે મૂળ વિદ્યાર્થીની જગ્યાએ છેતરપિંડી કરવાના ઈરાદે પરીક્ષા આપવા શાળામાં આવ્યો હતો. આરોપીઓએ શાળા અને પરીક્ષા બોર્ડ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના કારણે બોર્ડની શાખને પણ નુકસાન થયું છે.
સમાજમાં દાખલો બેસશે, તેથી સજા જરુરી
કોર્ટે ચુકાદામાં વધુમાં જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં સમાજમાં આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને આ કેસમાં આરોપીઓએ કરેલા ગુનાને જોતા તેમને પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં. તેમને એવી સજા મળવી જોઈએ જેથી કરીને સમાજમાં એક દાખલો બેસશે અને આગળના સમયમાં આવું કૃત્ય કરતાં પહેલા જરુંર વિચાર કરશે.
આ પણ વાંચો : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ: રેક્ટર પર ગાડી ચડાવવાનો પ્રયાસ
છેતરપિંડી કરવાનો આરોપ સ્પષ્ટ
સરકારી વકીલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આરોપીઓ ખોટા નામ અને દસ્તાવેજોના આધારે અન્ય વિદ્યાર્થી માટે પરીક્ષા આપી હતી. એ વખતે પણ તેમને એ વાતની પણ જાણ હતી કે તેમને પરીક્ષા આપવાનો અધિકાર નથી. તેમના દસ્તાવેજોમાં છેડછાડ કરી હોવાનું સ્પષ્ટ થયું છે અને તેઓ છેતરિંપડી કરવા ઈચ્છતા હતા. તેથી તેમને સજા આપવી જરુરી છે, ત્યાર બાદ કોર્ટે ગોવિંદ ઠાકોર, આસિફ મલિક અને ભરત ચૌધરીને એક-એક વર્ષની સજા અને દસ-દસ હજારનો દંડ ફટકાર્યો હતો.