રૂપાલા vs ક્ષત્રિય સમાજની અત્યાર સુધીની મહત્વની અપડેટ્સ, રૂપાલાએ કહ્યું, ‘ક્ષત્રિય સમાજના ઘણાં લોકો મારા સમર્થનમાં…’
રાજકોટ: parshottam rupala vs kshatriya samaj લોકસભા ચૂંટણી 2024ના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ છેક દિલ્હીના ઝાંપે જઈ ઊભો રહ્યો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરાની બેઠકને લઈને આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી (CM Bhupendra Patel Delhi Visit) જવા રવાના થયા છે અને રૂપાલાનો મુદ્દે PM મોદી સાથે ચર્ચા થાય તો પણ કદાચ કોઈ નવાઈ નહીં! પુરુષોત્તમ રૂપાલા પણ પોતાની દિલ્હી મુલાકાતની પરત ફર્યા છે અને તેમના વિવાદને લઈને એક મોટો દાવો કરી રહ્યા છે.
મીડિયા અહેવાલો પ્રમાણે દિલ્હીમાં કેબિનેટ બેઠક પૂર્ણ કરી પરત આવેલા રૂપાલાએ પત્રકારો સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે મારી ઉમેદવારીને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે પરંતુ ક્ષત્રિય સમાજના કેટલાય આગેવાનો મારા સમર્થનમાં છે. મારી ભૂલની મે માફી પણ માંગી લીધી છે અને ઘણા લોકો મારા સમર્થનમાં છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેને કહ્યું હતું કે બધા જ સમાજ મારા સમર્થનમાં છે. આ મુદ્દો અમારા વડીલો હેન્ડલ કરી રહ્યા છે. તમામ માહિતી તેમની પાસે હોય છે જેથી હું કોઈ પણ પ્રકારની ટિપ્પણી ન કરી શકું.
પટેલ સમાજ વિવાદથી દૂર રહે: લલિત વસોયા (Lalit vasoya on Rupala matter)
આપને જણાવી દઈએ કે રૂપાલાના સમર્થનમાં ઘણાં પાટીદાર સંગઠનો પણ હવે મેદાને ઉતરી ગયા છે. પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. ત્યારે, પોરબંદર બેઠકના કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર લલિત વસોયાનું પણ નિવેદન બહાર આવ્યું છે. તેને જણાવ્યુ કે ‘આ સમગ્ર મુદ્દો પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો છે. જેમાં પાટીદાર સમાજે ન પડવું જોઈએ. આ વિવાદિત મુદ્દો રૂપાલાનો અંગત મુદ્દો છે પટેલ સમાજનો વિવાદ નથી. વધુમાં તેને કહ્યું હતું કે રૂપાલાના વિવાદને કારણે બે સમાજ વચ્ચે ખટરાગ પેદા થાય છે જેથી પટેલ સમાજે આ વિવાદથી દૂર રહેવું જોઈએ’
ALSO READ : રૂપાલાએ રાજકોટને કરવા પડશે રામ રામ? ક્ષત્રિયોનો સમાધાન માટે સાફ ઈનકાર
પદ્મિનીબા વાળાનો અન્ન-જળનો ત્યાગ, આજે બીજો દિવસ (Padminiba Vala)
રાજકોટ ખાતે રૂપાલાનો વિરોધ શમવાનું નામ લેતો નથી. ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા પોતાના સમર્થક મહિલાઓ સાથે અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગને લઈને અડગ છે. રેલનગર ખાતે આવેલી ક્ષત્રિય સમાજની વાડીમાં બેઠેલા પદ્મિનીબાનો આજે અન્ન જળ ત્યાગ કર્યાનો આજે બીજો દિવસ છે. મીડિયા સાથે વાત કરતાં વધુમાં તેને જણાવ્યુ હતું કે પોતે ઘરે ઘરે જઈને રૂપાલા વિરુદ્ધ પ્રચાર કરશે અને તેની વિરુદ્ધ મતદાન પણ કરાવશે. અગાઉ ભાવનગર એક મહિલા આગેવાને જોહર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ક્ષત્રિય સમાજના વકીલોની જિલ્લા કલેક્ટરને રજૂઆત
રૂપાલાના વિરોધને લઈને વિવાદ વધુને વધુ આગ પકડતો જાય છે. એક બાજુ ભાજપ કોઈ પણ રીતે વિવાદને ડામવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે તો બીજી બાજુ ક્ષત્રિય સમાજ કોઈ વાતથી માણવા તૈયાર નથી. તેવાં ક્ષત્રિય સમાજના વકીલોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે જો કોઈ પણ રીતે ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને તેના યુવાનોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તેઓ કાયદાકીય લડત આપશે.