મેળાની મોજ બગાડશે મેઘરાજા? પરેશ ગોસ્વામીએ કરી આવી ખતરનાક આગાહી…

અમદાવાદઃ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે આગાહી કરી છે.
16 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતા છે, અને 17 થી 20 ઓગસ્ટ તેમજ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થશે. આ સિવાય 16 થી 23 ઓગસ્ટ સુધી પણ સાર્વત્રિક વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 16 ઓગસ્ટથી મૂશળધાર વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. માછીમારોને 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને સમયસર ખેતકાર્યો પૂરા કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં મેળા શરૂ થશે ત્યારે પરેશ ગોસ્વામીની આગાહીથી મેળાની મોજ માણવા જતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગત વર્ષે વરસાદના કારણે રાજકોટનો લોકમેળો રદ્દ કરવો પડ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 64.62 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 65.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, પૂર્વ મધ્યમાં 66.68 ટકા, સૌરાષ્ટ્રમાં 56.70 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 69.10 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 75.19 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા ભરાયેલા છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદના કારણે રાજ્યમાં 30 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 51 ડેમ હાઈ એલર્ટ પર છે. 73 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા છે અને 26 ડેમ એલર્ટ પર છે.
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 24 કલાક બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ, કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, પૂર્વ પશ્ચિમ મોન્સૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે વરસાદની તીવ્રતા વધશે. માછીમારોને 17 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો…ગુજરાત પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યમાં સિઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં