પરેશ ધાનાણીએ કવિતાના માધ્યમથી પુરષોત્તમ રૂપાલા પર કર્યા કટાક્ષ, ટ્વીટ થયું વાયરલ
રાજકોટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના અગ્રણી નેતા પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ તેમની સામે જબરદસ્ત રોષનો માહોલ છે. ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હોવા છતા તેમની સામેનો આક્રોશ વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ તેમને બદલવાની માગ કરી રહ્યો છે, હવે આ પરિસ્થિતીમાં કોંગ્રેસના નેતાઓને તો જાણે ગોળનું ગાડું મળી ગયું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના અગ્રણી નેતા અને વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક્સ પર ટ્વીટ કરી રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા પર કટાક્ષ કર્યો છે. ગુજરાતમાં ભાજપના કકળાટ પર નિશાન સાધતું પરેશ ધાનાણીનું ટ્વીટ છે તે અત્યારે ખુબજ વાઇરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઇને પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે તેમની દરેક ટ્વિટમાં #કોંગ્રેસટનાટન_2004નુપુનરાવર્તન ઉમેર્યું છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વધુ એક ટનાટન ટ્વીટ કરતા હાલ રાજકારણ ગરમાયું છે.
પુરુષોત્તમ રૂપાલાને ચારેબાજું બાજુથી વિપરીત પરિસ્થિતિએ ઘેરી લીધા હોય તેવો ઘાટ થયો છે. રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા ભાજપના વધુ એક નેતા મેદાને પડ્યા છે. ભાવનગર APMCના ડિરેક્ટર અને ક્ષત્રિય એવા સંજયસિંહ ગોહિલ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવારને રાજકોટથી ટિકિટ આપવાની માગ સાથે ફેસબુક પોસ્ટ કરી છે. સંજયસિંહ ગોહિલે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, રૂપાલા સાહેબના નિવેદનથી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ નારાજ છે ત્યારે ભાજપાના શીર્ષ નેતૃત્વએ રૂપાલા સાહેબના સ્થાને અન્ય ઉમેદવારને લડાવી વિવાદનો અંત લાવવો જોઈએ તેવી અપીલ કરી હતી.
પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા બાબતે એકાદ બે દિવસમાં સ્પષ્ટતા થઇ જશે. જો રૂપાલા પોતાની દાવેદારી પરત ખેંચે તો ભાજપ મોરબી-હળવદ કે રાજકોટના અન્ય કડવા પાટીદાર નેતાને રાજકોટ બેઠક પરથી ઉમેદવારી કરાવી શકે છે. આ ઉપરાંત ડો.ભરત બોઘરાના નામની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો લેઉઆ પાટીદાર એવા બોઘરાને ટિકિટ આપવામાં આવે તો કડવા પાટીદારો પણ નારાજ થઈ શકે તેમ છે. આમ ભાજપ હાલ રાજકોટ સીટને લઈ ભાજપનું ટોચનું નેતૃત્વ ફુંકીફુંકીને પગલા ભરી રહ્યું છે. જો પુરુષોત્તમ રૂપાલાનું પત્તુ કપાશે તો વડોદરાના રંજન ભટ્ટ અને સાબરકાંઠાના ભીખાજી ઠાકોર બાદ રાજકોટથી રૂપાલા ભાજપના એવા ત્રીજા ઉમેદવાર બનશે જે બદલાઇ જશે.