સત્તાધારી પાર્ટીને ઇશારે નાચનારાઓના પટ્ટા ગુજરાતની પ્રજા ઉતારી નાખશે: પરેશ ધાનાણી

રાજકોટ: ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્યત્વે ગુજરાતમાં વકરી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું હોવા છતાં, હજુ સુધી આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર એટલે કે ‘ડ્રગ્સના આકાઓ’ પકડાયા નથી. તેમણે આ મુદ્દો ઉઠાવવા બદલ સુરતના ભાજપના નેતા કુમાર કાનાણીને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, દારૂ અને ડ્રગ્સ મામલે ગુજરાતમાં જે કોઈ લોકો અવાજ ઉઠાવે છે, કોંગ્રેસ તેને આવકાર અને અભિનંદન આપે છે.
આ ઉપરાંત, તેમણે પોલીસ વિભાગ અને વિપક્ષી નેતાઓ પરના દમન અંગે પણ વાત કરી હતી. ધાનાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઈમાનદાર પોલીસ અધિકારીઓ હેરાન થઈ ચૂક્યા છે, તેમણે સરકાર સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ સરકાર સામે લડી લેવા તૈયાર છે, અને સરકાર ખાખી વર્દીનો દુરુપયોગ કરી રહી છે. કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ પ્રજા વતી લડી રહ્યા છે, ત્યારે સરકાર તેમને ‘દલિતનો દીકરો’ સમજીને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે.
આ પણ વાંચો: અમરેલી લેટર કાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખી કરી આ માંગ, પરેશ ધાનાણીએ બળતામાં ઘી હોમ્યું…
ધાનાણીએ રાજ્ય સરકારની ચાલી રહેલી ‘ચિંતન શિબિર’ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે આ ચિંતન શિબિરમાં રાજ્યની પ્રજાની ચિંતા થાય અને તેમની વેદના દૂર થાય તે જરૂરી છે. તેમણે માંગ કરી હતી કે આ શિબિરમાં મોંઘવારી, મંદી, ભ્રષ્ટાચાર, દારૂના દૂષણ અને ડ્રગ્સની બદી દૂર કરવા અંગે ચિંતન થવું જોઈએ, અને સરકારે પ્રજાની ચિંતા દૂર થાય તેવા આચરણ કરવા જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ડ્રગ્સની ડોર ડિલિવરી થાય છે, જેના કારણે યુવાનો વ્યસની બનીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાય છે. તેમણે ડ્રગ્સ, વ્યાજખોર અને માફિયાઓની સરકાર સાથે સિન્ડિકેટ હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો.
અંતમાં, કોંગ્રેસ નેતાએ રાજકોટ – ગુજરાતને કોમન વેલ્થ ગેમની યજમાની યજમાનીને આવકારી હતી, પરંતુ સત્તાધારી પક્ષને તેમની એટલી જ અપીલ છે કે જે રીતે રમતગમતમાં ખેલદિલી રાખવામાં આવે છે, તેવી જ ખેલદિલી જાહેર જીવનમાં પણ રાખવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓ સાંભળવામાં આવે, તેનો અવાજ દબાવવાનો પ્રયાસ ન કરવામાં આવે અને રમતગમતની જેમ ખેલદિલી જાળવવામાં આવે.



