રાજકોટ સીટ પર પુરૂષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા પરેશ ધાનાણી થયા તૈયાર
રાજકોટ: કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આ રોષ શાંત પડવાનું નામ લેતો નથી ત્યારે રાજકોટ સીટ જીતવાની કોંગ્રેસની આશા જીવંત બની છે રૂપાલા સામેનો વિરોધ કોંગ્રેસ માટે મોટી તક છે. કોંગ્રેસના લડાયક નેતા અને વિધાનસભાનાં પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીને રાજકોટ બેઠકથી લોકસભાની ચૂંટણી લડવા માટે મનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ પ્રયાસો કરી રહ્યા છે. આજે સહિતના 50થી વધુ નેતાઓએ આજે સવારે અમરેલીમાં પરેશભાઈ ધાનાણી સાથે મુલાકાત કરી હતી, અને તેઓ રૂપાલા સામે ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના રૂપાલા પર ફરી વાકબાણ, ક્ષત્રિયાણીઓને ઉદ્દેશીને લખેલી કવિતા વાયરલ
રાજકોટથી ધાનાણીને મનાવવા અમરેલી પહોંચેલા 50થી વધુ નેતાઓમાંના એક પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ બાદમાં જણાવ્યું હતું કે રૂપાલા ચૂંટણી લડે તો જ પરેશ ધાનાણીએ લડવાનું છે. રૂપાલાની ટિકિટ કેન્સલ થાય તો ધાનાણી ત્યાંથી નહીં લડે. રૂપાલા સામે ધાનાણી ચૂંટણી લડે તો કોંગ્રેસમાં પ્રાણ ફુંકાય. હાલમાં જે રાજકીય પરિસ્થિતિ ઉભી થઈ છે તેનો લાભ લેવા માટે જ પરેશ ધાનાણીને રાજકોટ ચૂંટણી લડવાની છે. રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડે તો કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાઈ જશે.
પરેશ ધાનાણીએ પણ રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા સંકેત આપ્યા છે, તેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે ‘મેં ક્યારેય પીઠ નથી બતાવી, પાર્ટી કહેશે તો ચૂંટણી લડવા તૈયાર છુ. રૂપાલા સમજી જાય તો સારૂં છે. હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું. તમારી લાગણીને માન આપીને રાજકોટના રણમેદાનમાં સેનાપતિ બનીને લડીશ. મારૂ નેતૃત્વ મને આદેશ આપે એટલે પરેશ ધાનાણી તૈયાર છે.’
આ પણ વાંચો: ભરૂચ બેઠક પર ત્રિપાંખિયો જંગ, છોટુભાઈએ પુત્ર દિલીપ વસાવાને બનાવ્યા BAPના ઉમેદવાર
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રીય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન ચલાવી રહ્યું છે. આવામાં હાલ કોંગ્રેસ રાજકોટ બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં વેઈટ અને વોચની સ્થિતિમાં છે. જો કોંગ્રેસ રાજકોટ બેઠક પર ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને ઉતારે તો ભારે રસાકસી થવાની પૂરેપૂરી સંભાવના જણાય રહી છે. આ દરમિયાન પરેશભાઈ ધાનાણીને રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવા માટે આજે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ મનામણા કર્યા હતા.
રાજકોટ સીટ અંગે કોંગ્રેસની રણનિતી અંગે સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચુંટણી લડવા માટે પક્ષના પાંચ આગેવાનો દ્વારા ઇચ્છા વ્યકત કરવામાં આવી છે. જો કે પાર્ટીની સ્ટ્રેટજી એવી છે કે રાજકોટ બેઠક પર ભાજપના કડવા સમાજના ઉમેદવાર સામે કોંગ્રેસ લેઉવા સમાજના ઉમેદવારને ટિકીટ આપે આટલું જ નહી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને આગેવાનોની પણ એવી લાગણી છે કે પરેશભાઇ ધાનાણી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે. કડવા સામે કડવા નહીં ઉતારવાની પક્ષની એક વ્યુહ રચના છે.