પરેશ ધાનાણીનો દાવો, ‘પરિણામો આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થશે અને અભિમાન હારશે’
રાજકોટ: ગુજરાતની 25 લોકસભા સીટ પરનું મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારો હવે તેમની જીતનો દાવો કરી રહ્યા છે, જેમ કે રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ પત્રકાર પરિષદ યોજી રાજકોટના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમણે કહ્યું મને એ વાતનો આનંદ છે કે રાજકોટમાં મતદાન કરવા માટે મતદાન મથક (Voting) પર જનમેદની જોવા મળી હતી. ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60 ટકા મતદાન ધોમધખતા તાપમાં થયું છે. આ સાથે જ દાવો કર્યો હતો કે પરિણામો આવશે ત્યારે 2000 જેટલા બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે.
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે ‘મને આનંદ છે કે કાલે રાજકોટમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે, જેમાં રાજકોટના જનજનનો પ્રેમ મળ્યો છે. લોકોએ સમજીવિચારીને તેમજ સંગઠિત થઈને મતદાન કર્યું છે તેમજ સૌપ્રથમ લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણમેદાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજકોટના લોકોએ સમજીવિચારીને અને સંગઠિત થઈ મતદાન કર્યું છે. લોકશાહીની લાજ રાખવા થયેલા આ મતદાનની ધાર અહંકારને ઓગાળશે એવો મને વિશ્વાસ છે.’
રાજકોટ શહેરના અંદાજે 5 લાખ અને ગ્રામ્ય વિસ્તારના લગભગ 7 લાખ લોકોએ સ્વાભિમાનની રક્ષા માટે મતદાન કર્યું છે. રંગીલા રાજકોટિયનોએ ભરતડકામાં આ મતદાન કરીને સાબિત કર્યું છે કે તેઓ સ્વાભિમાનની પડખે ઊભા છે. અને મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે, જ્યારે પરિણામો આવશે ત્યારે રાજકોટનાં 2000 બૂથમાં કોંગ્રેસ પક્ષના મતો વધુ હશે. રાજકોટના હૃદયને જીતવામાં સફળતા મળી એ વાતનો આનંદ છે. આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થશે અને અભિમાન ઓગળી જશે.
પરેશ ધાનાણીએ તેમના પ્રતિસ્પર્ધી રૂપાલાએ આજે ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી એ અંગે જણાવ્યું હતું કે જાહેર જીવનના લોકોનાં વ્યક્તિગત ધોરણો જ હોઈ શકે નહિ. જો રૂપાલાએ માફી માગવી હતી તો ધોમધખતા તાપમાં રોડ પર રઝળતી અને બોર-બોર જેવડાં આંસુ સારતી દેશની દીકરીઓની વિનંતીનો સ્વીકાર તેઓ કરી શક્યા હોત.
અમે પણ વિનંતી કરી હતી એનો પણ સ્વીકાર થયો નહોતો. તેમનું નિવેદન ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ તેની ભૂલ સુધારવા સક્ષમ હતું, પણ ભાજપ પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માગી શકે એમ નથી, એટલે દરેક ચૂંટણીમાં કોઈ ને કોઈ વર્ગવિગ્રહ કરાવે છે.