અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટમાં બે ને ઈજાઃ આ કારણ હોવાની શક્યતા
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બ્લાસ્ટની ખબરોએ સૌને ચોંકાવી દીધા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતા બે જણને ઈજા પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઘટનામાં પાર્સલ આપનારા ડિલિવરી બૉય અને લેનારા વ્યક્તિને ઈજા થી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બહાર આવતા જ પોલીસ દોડી આવી હતી.
અહીની શિવમ સોસાયટીમાં બનેલી ઘટનામાં ઈજાગ્રસ્તના સંબંધીએ જણાવ્યું હતું કે કુલ ત્રણ જણ રિક્ષામાં બેસી આવ્યા હતા. બે જણ રિક્ષામાં જ બેઠા હતા અને એક જણ પાર્સલ આપવા આવ્યો હતો. પાર્સલ હાથમાં આવતા જ રિક્ષામાં બેસેલી વ્યક્તિએ રિમોટ જેવું કંઈ દબાવતા જોરદાર બ્લાસ્ટ થયો હતો અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમ જ તેમની પાસે ઊભેલાને પગમાં ઈજા થઈ હતી. આ બન્ને ભાઈઓ છે અને તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દરમિયાન પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને ઘટનાની સઘન તપાસ થઈ રહી છે. પ્રાથમિક કારણોમાં પારિવારિક ખટરાગ કે કોઈ વ્યક્તિગત દુશ્મની હોવાનુ માનવામા આવી રહ્યું છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં 2022થી નવેમ્બર 2024 સુધીમાં કેટલા કરોડ Aadhaar Authentications થયા? આંકડો જાણીને ચોંકી જશો
થોડા મહિનાઓ પહેલા આવી જ ઘટના હિંમતનગરમાં ઘટી હતી, જેમાં બે જણના આ રીતે પાર્સલમાં આવેલી વસ્તુમાં બ્લાસ્ટ થવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના પાછળનું કારણ લગ્નેત્તર સંબંધો હોવાનું પછીથી બહાર આવ્યું હતું.