તમે અત્યાર સુધી પાણીપુરીના ઢગલો વીડિયો જોયા હશે, પગથી લોટ બાંધવાથી માંડીને તેમાં ચીઝ, ચોકલેટ, સોસ જેવી સામગ્રીઓ નાખીને અવનવી વેરાઇટીની પાણીપુરી બનાવવા સુધીના તમામ વીડિયો વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં પાણીપુરીની એક આખેઆખી ફેક્ટરીનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, એક સુરતીલાલાની આ ફેક્ટરીના વીડિયોમાં ‘હાઇજીનિક જલપુરી’નો એક અલગ જ કોન્સેપ્ટ જોવા મળી રહ્યો છે. જે એક ફૂડ બ્લોગરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
આપણી પાસે હાજર તમામ સ્ટ્રીટ ફૂડમાં પાણીપુરી હજુ પણ રાજાની જેમ રાજ કરે છે. જો કે ઘણી જગ્યાએ પાણીપુરીની બનાવટને લઇને લોકોમાં સતત વહેમ છવાયેલો હોય છે કે ક્યાંક આ પાણીપુરી ખાવાથી બીમાર તો નહિ પડી જવાય, જેને કારણે ઘણી જગ્યાઓ પર હાઇજીનીક પાણીપુરી પણ વેચાતી જોવા મળે છે. જો કે આ વાઇરલ વીડિયોને જોયા પછી એવું લાગી રહ્યું છે કે દેશભરમાં તમામ જગ્યાઓ પર આ જ રીતે પાણીપુરી બનવી જોઇએ.
ઇન્ટરનેટ પર વાઇરલ આ ક્લીપ જોયા પછી અનેક યુઝર્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું હતું કે આ દેશની એકમાત્ર હાઇજીનિક પાણીપુરી હશે, તો કેટલાક લોકોએ વળી એવો પણ દાવો કર્યો હતો કે ભારતીયોને તેનો સ્વાદ ગમશે નહીં કારણ કે તેઓ ગંદકીથી ટેવાયેલા છે.