Top Newsઆપણું ગુજરાત

પાલિતાણા ગર્ભગૃહ ફોટોગ્રાફી વિવાદમાં નવો વળાંક: આણંદજી કલ્યાણજી પેઢીએ પુરાવા આપી કર્યો મોટો દાવો!

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત પર આદિનાથ દાદાના ગર્ભગૃહમાં અશાતનાની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેનાથી સમગ્ર જૈન શાસનમાં ભારે રોષ ફેલાયો હતો. ગત ૨૭ જાન્યુઆરીના એક વિધર્મી યુવકે ગર્ભગૃહમાં પ્રવેશ કરી ફોટોગ્રાફી કરી હોવાના આક્ષેપો થયા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને મેસેજ મુજબ લખનઉની એક કંપનીના ફોટોગ્રાફરે આદિનાથ દાદાની અંગરચના અને પબાસન પર પગ મૂકી, પૂજાના વસ્ત્રો પહેર્યા વિના જ અશોભનીય રીતે શૂટિંગ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટનાને પગલે ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી હતી અને પાલિતાણામાં બિરાજમાન જૈનાચાર્યો તેમજ મુનિ ભગવંતોએ પણ આ ગંભીર મર્યાદા ભંગ સામે સખત આઘાત વ્યક્ત કર્યો હતો.

આ વિવાદના કેન્દ્રમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા આપવામાં આવેલો એક કોન્ટ્રાક્ટ હતો. મળતી માહિતી મુજબ, પેઢીએ લખનૌની ‘કુલમેન ક્રિએટીવ કોન્સેપ્ટ’ નામની કંપનીને અંદાજે ૪૫ લાખ રૂપિયામાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બીજી તરફ વિવાદ વધતા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ સત્તાવાર સ્પષ્ટીકરણ જાહેર કરીને વિવાદની આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. પેઢીએ દાવો કર્યો હતો કે પુષ્પેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ સ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરી અને મુખકોષ બાંધીને જ પેઢીની મંજૂરી સાથે ગર્ભગૃહમાં પ્રવેશ્યો હતો, જેના સીસીટીવી પુરાવા પણ ઉપલબ્ધ છે. પેઢીએ વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા ‘એઆઈ જનરેટેડ’ છે અને ફેલાવવામાં આવેલા મેસેજ સત્યથી વેગળા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button