પાલિતાણા વિવાદમાં મોટો વળાંક: કોન્ટ્રાક્ટ રદ કરવાની સાથે ફૂટેજ કરાયા ડિલીટ!

પાલિતાણા: શત્રુંજય મહાતીર્થ પર આદિનાથ દાદાના ગર્ભગૃહમાં ફોટોગ્રાફીને લઈને સર્જાયેલા વિવાદ મામલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ મહત્વની સ્પષ્ટતા કરી હતી. ગત ૨૭ જાન્યુઆરીના લખનઉની એક કંપની દ્વારા કરવામાં આવેલી ફોટોગ્રાફીને લઈ સોશિયલ મીડિયામાં આક્ષેપો થયા હતા કે કોઈ વિધર્મી યુવકે મર્યાદાનો ભંગ કરીને કથિત રીતે શૂટિંગ કર્યું હતું.
જોકે, પેઢીએ લખેલા પત્રમાં ખુલાસો કર્યો હતી કે ગભારામાં પ્રવેશનાર ફોટોગ્રાફર પુષ્યેન્દ્ર શર્મા નામનો બ્રાહ્મણ યુવક હતો, જેમણે વિધિવત સ્નાન કરી, પૂજાના વસ્ત્રો અને મુખકોષ ધારણ કરીને પેઢીની મંજૂરી સાથે જ કામગીરી કરી હતી. આ અંગેના તમામ સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે પેઢી પાસે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
પેઢીએ વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ફરતા ફોટાઓ એ. આઈ. (AI) જનરેટેડ છે અને તેની સાથે ફેલાવવામાં આવતા લખાણો સત્યથી તદ્દન વેગળા છે. મળતી વિગતો અનુસાર, ‘કુલમેન ક્રિએટીવ કોન્સેપ્ટ’ નામની કંપનીને ફોટોગ્રાફીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટનાને ખોટી રીતે રજૂ કરીને ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો દાવો પેઢીએ કર્યો હતો.
આપણ વાચો: પાલિતાણા ગર્ભગૃહ ફોટોગ્રાફી વિવાદમાં નવો વળાંક: આણંદજી કલ્યાણજી પેઢીએ પુરાવા આપી કર્યો મોટો દાવો!
કોઈએ પણ આવા મેસેજથી ગેરમાર્ગે દોરાવવું નહીં તેવી અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં, જો આ ઘટનાથી કોઈ પણ જૈન ભાવિકની ધાર્મિક લાગણી દુભાઈ હોય, તો પેઢીએ સકળ શ્રી સંઘની “મિચ્છા મિ દુક્કડં” સાથે ક્ષમાયાચના કરી હતી.
આ ઘટનાને પગલે જૈન સમાજમાં ફેલાયેલા રોષ અને આચાર્ય ભગવંતોની નારાજગીને ધ્યાને રાખીને પેઢી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિવાદને શાંત કરવા માટે પેઢીએ તમામ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો ડેટા સંપૂર્ણપણે ડિલિટ કરી દીધો હતો અને આ પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આદિનાથ દાદાની આંગરચના અને પબાસન પર પગ મૂકીને કથિત અશોભનીય રીતે શૂટિંગ થયાના આક્ષેપો બાદ આ વિવાદે જોર પકડ્યું હતું.



