માવઠાથી ખેડૂતોને નુકસાનનો સર્વે કરવાની ઉઠી માગ, પાલ આંબલિયાએ CM અને કૃષિમંત્રીને લખ્યો પત્ર
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતને જબરદસ્ત નુકસાન થયું છે, ખેડૂતો માટે આ માવઠું આકાશી આફત સાબિત થયું છે. ત્યારે ખેડૂતોની આ વેદનાને વાંચા આપવા પાલભાઈ આંબલીયા ફરી એકવાર મેદાને આવ્યા છે. પાલ આંબલીયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદનું તાત્કાલિક 48 કલાકમાં સર્વે કરાવી ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરેલ રાહત વળતર આપવાની અપીલ કરી છે.
કિસાન કોંગ્રેસ સેલનના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી 48 થી 72 કલાકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવાની કરવાની માગ કરી છે. આ અગાઉ 4 વાર થયેલા માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યુ ન હતુ.
પાલ આંબલિયાએ સરકારને જણાવ્યુ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉનાળુ બાજરો, તલ, મગ, મકાઈ સહિત ખેતી પાકોને અને કેળ, કેરી, જામફળ, ચીકુ, લીંબુ સહિતના બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. વર્તમાનમાં રાજ્યમાં પાકવીમાં યોજના બંધ છે અને કાગળ પર ચાલતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો આપ સારી રીતે જાણો જ છો કે આ યોજનામાં 20 ઓગસ્ટ 2020 ના દિવસથી અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટર બેનિફિટ યોજના અંતર્ગત વળતર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બ્રેકિંગ: ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું, વીજળી પડતા 4 લોકોના મોત, 1 મહિલા ઘાયલ
તેમણે સરકારને ટોણો મારતા કહ્યું કે અગાઉની જેમ જ આપ સમીક્ષા બેઠક, સર્વેના આદેશ, સર્વેની કામગીરી, પ્રેસ કોંફરન્સ કરવાના હોવ અને છેલ્લે ખેડૂતોને મોદી સાહેબની ગેરેન્ટીઓ જેવા માત્ર સુહાના સપનાઓ જ બતાવવાના હોવ તો સમીક્ષા બેઠકોથી લઈ પ્રેસ કોંફરન્સ સુધીની તમામ કામગીરી માંડી વાળજો. આપ સાહેબને નમ્ર અરજ છે કે અમારે ખેડૂતોને એક તો કુદરતનો માર છે ને ઉપરથી તમારા માત્ર સપનાઓની ભરમાર છે.
પાલ આંબલિયાએ સરકાર પર કટાક્ષ કર્યો હતો કે જો સર્વેના નાટક જ કરવા હોય તો આવી સર્વે કામગીરી જ ન કરો. પાક નુકસાનીના વળતરને મોદી સરકારની ગેરન્ટી સાથે સરખામણી કરી ડબલ એન્જિનની સરકાર પર પાલ આંબલિયાએ આકરા પ્રહાર કર્યા હતા. આંબલિયાએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે અગાઉના દોઢ વર્ષમાં અતિવૃષ્ટિ, દુષ્કાળગ્રસ્ત અને કમોસમી વરસાદની સ્થિતિમાં ખેડૂતોને પારાવાર નુકસાન થવા છતા ખેડૂતોને વળતર મળ્યુ નથી.
છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતના ખેડૂતો પહેલા અતિવૃષ્ટિનો ભોગ બન્યા ત્યારબાદ 33 થી 53 દિવસ સુધી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળગ્રસ્ત સ્થિતિનો ભોગ બન્યા ત્યારબાદ 4 વખત કમોસમી વરસાદનો માર સહન કરીને બેઠા છે ઉપરોક્ત અતિવૃષ્ટિ હોય, દુષ્કાળગ્રસ્ત સ્થિતિ હોય કે કમોસમી વરસાદ હોય દરેક વખતે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક બોલાવી પ્રેસ કોંફરન્સ કરી, સર્વે કરવાના આદેશ આપ્યા પ્રેસ કોંફરન્સ કરી, નવ નવ દિવસ મોડા પરિપત્ર કર્યા, સર્વે પૂરું થયું તેની પ્રેસ કોંફરન્સ કરી પણ ખેડૂતોને રૂપિયા ચૂકવ્યા એની પ્રેસ કોંફરન્સ ક્યાંરેય નથી કરી.