આપણું ગુજરાત

Helmet Drive: પ્રથમ દિવસે જ આટલા સરકારી બાબુઓ દંડાયા, 11 ટકા પોલીસકર્મીઓ પણ સામેલ

અમદાવાદઃ શહેરમાં પ્રથમ દિવસે જ 575 સરકારી અધિકારીઓ હેલ્મેટના કાયદાનો ભંગ કરતાં દંડાયા હતા. જેમાં 72 પોલીસ જવાનો પણ સામેલ હતા, એટલે કે 11 ટકા પોલીસકર્મીઓ પણ કાયદાનું ઉલ્લંઘન કરતાં ઝપટે ચડ્યા હતા. તેમની પાસેથી 2.87 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

કુલ કેટલા કેસ કરવામાં આવ્યા

હેલ્મેટ સહિતના ટ્રાફિકના કાયદાનો અસરકારક અમલ કરાવીને અકસ્માતમાં થતા મોતનો આંકડો ઘટાડવાની ઝુંબેશના ભાગરૂપે ડીજીપી વિકાસ સહાયની સૂચના પર આ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. તમામ સરકારી ઓફિસોના ગેટ પાસે ટ્રાફિક પોલીસને ઉભી રાખીને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ વસૂલવા આદેશ આપ્યો હતો. જેમાં પ્રથમ દિવસે જ હેલ્મેટ પહેર્યું ન હોય તેવા સરકારી બાબુઓ તથા અન્ય સામે કુલ 660 કેસ કરીને 3.30 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પૂર્વ કરતાં પશ્ચિમ અમદાવાદમાં વધુ કેસ કરવામાં આવ્યા

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, દંડથી બચવા હેલ્મેટના નિયમનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે. જેના દ્વારા રોડ અકસ્માતમાં થતાં મૃત્યુ કે ગંભીર ઈજાના બનાવો પર અંકુશ લાવી શકાશે. પૂર્વ વિસ્તામાં કુલ 272 અને પશ્ચિમ વિસ્તારમાં 388 કેસ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસના કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સરકારી ઓફિસની બહાર ગોઠવાઈ ગયા હતા. કેટલાકે દંડની કાર્યવાહી દરમિયાન પોલીસ સાથે દલીલ પણ કરી હતી. પ્રથમ વખત કાયદાનો ભંગ કરનારા પાસેથી 500 રૂપિયા અને બીજી વખત નિયમનો ભંગ કરનારા પાસેથી 1000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કાયદાનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ કર્મચારી સહિતના તમામ સરકારી અધિકારીએ ઉદાહરણ પૂરું પાડવા માટે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે.

Also read:Ahmedabad ના મેમનગરમા હિટ એન્ડ રનની ઘટના, સાત લોકો ઘાયલ…

અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો થતાં રાજ્ય પોલીસ વડાએ ગંભીર નોંધ લીધી હતી. ગુજરાતના તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરીક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બનીને હેલ્મેટ સહિત ટ્રાફિકના નિયમોનું પાલન જરુરી છે તેમ કહીને આ ડ્રાઇવ શરૂ કરાવી છે. જો કે આ ઝુંબેશ પૂરી થયા બાદ કેટલા સરકારી કર્મચારીઓ તેનો અમલ કરશે તે આગામી સમય બતાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button