અમદાવાદ: ગુજરાત પોલીસે દેહ વ્યાપાર સામે રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે યોજેલી એક ખાસ ડ્રાઇવમાં રાજ્યભરમાંથી ૮૦૫ જેટલા સ્પા સેન્ટર, મસાજ પાર્લર તથા હોટેલોમાં દરોડા પાડ્યા હતા. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને કાયદાકીય વ્યવસાયની આડમાં દેહવેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની શંકાને આધારે કેટલીક જગ્યાઓ પર દરોડા પાડવાના નિર્દેશ આપ્યાના એક દિવસ બાદ ગુરુવારે મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શુક્રવારે જાહેર કરાયેલી વિગતો મુજબ પોલીસે આ કાર્યવાહીમાં રાજ્યભરમાં કુલ ૮૫૧ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૧૦૫ લોકોની ધરપકડ કરી, અને ૧૦૩ એફઆઈઆર દાખલ કરી હતી.
પોલીસે ૨૭ સ્પા સેન્ટરો અને હોટેલોના લાયસન્સ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવા બદલ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, ઉપરાંત આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ સરકારે જણાવ્યું હતું.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે પોલીસની ટીમ દ્વારા લગભગ ૩૫૦ સ્પા અને મસાજ પાર્લરો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્પા માલિકો તેમજ કર્મચારીઓના નામ, ફોટા અને સંપર્કની વિગતો સબમિટ કરવા અંગેના શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરવા બદલ નવ કેન્દ્રોને બંધ કરાવ્યા હતા.
સ્પા સેન્ટરોમાં વેશ્યાવૃત્તિ થાય છે કે કેમ તે તપાસવા માટે પોલીસે કેટલાક શંકાસ્પદ કેન્દ્રોમાં અમુક ડમી ગ્રાહકોને પણ મોકલ્યા હતા. જો કે તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઇવ દરમિયાન કોઈપણ સ્પામાં દેહવેપાર થતો હોવાનું જણાયું નથી.