યુનિવર્સિટીઓમાંથી હવે એસોસિયેશનને હટાવવાના નિર્ણયથી આક્રોશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીઓમાંથી સેનેટ અને સિન્ડિકેટ બાદ અને હવે મોડેલ સ્ટેચ્યૂટ્સ મારફતે કર્મચારીઓના એસોસિયેશનને પણ હટાવવાનો નિર્ણય કરાતાં આક્રોશ ફેલાયો હતો. સરકારના આ નિર્ણયને કારણે વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સરકાર દ્વારા જાહેર કરેલા મોડેલ સ્ટેચ્યૂટ્સની જોગવાઈમાં કર્મચારીઓ એસોસિયેશનની રચના કરી શકશે નહીં અને તેમાં જોડાઈ શકશે નહીં. આ સિવાય કોઈપણ પ્રકારનું ફંડ પણ કોઈ સંગઠન ઉઘરાવી શકશે નહી તેવી જોગવાઈ દાખલ કરાતાં યુનિવર્સિટી-કોલેજના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ ૧૧ યુનિવર્સિટીઓમાં ગત ૯મી ઓક્ટોબર-૨૦૨૩થી ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ-૨૦૨૩’ લાગુ કરવામાં આવ્યો હતો. કોમન એક્ટ લાગુ થયાના ૧૧૫ દિવસ બાદ ૩૧મી જાન્યુઆરી-૨૦૨૪ના રોજ ૨૯૦ પેજમાં મોડેલ સ્ટેચ્યૂટ્સ જાહેર કરી દેવામાં
આવ્યા હતા.
મોડેલ સ્ટેચ્યૂટ્સમાં પેજ નંબર ૧૩૧ મુદ્દા નંબર ૮૫માં ભારતના મૂળભૂત બંધારણીય હકોનું ઉલ્લઘન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયો છે. સ્ટેચ્યૂટની આ જોગવાઈ મુજબ યુનિવર્સિટી-કોલેજના કર્મચારીઓ માટે કોઈ સંગઠન કે સંઘ બનાવવા ઉપર પાબંધી લગાવવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારનું ફંડ ઉઘરાવવા પર પણ પાબંધી લગાવી દેવામાં આવી છે. આમ યુનિવર્સિટી અને સરકાર દ્વારા પોતાની ઈચ્છા મુજબના કોઈપણ નિર્ણય કરે અને તેનો કોઈ વિરોધ જ ન કરી શકે એ પ્રકારની જોગવાઈ પાછલા બારણે મૂકી દેતા કર્મચારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.