‘અમારું સિનેગોગ મુસ્લિમોના વિસ્તારમાં છે, તેમ છતાં મુસ્લિમ પરિવારોનો અમને ઘણો ટેકો છે’: અમદાવાદના યહુદી અગ્રણી
ઇઝારાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ફરી એકવાર સંઘર્ષની જ્વાળા ભભૂકી ઉઠી છે ત્યારે ઇઝરાયેલમાં વસતા ભારતીયો પર જેમ જીવનું જોખમ તોળાઇ રહ્યું છે તેમ ભારતમાં પણ અલગ અલગ જગ્યાએ વસતા યહુદીઓ તેમજ તેમના ધાર્મિક સ્થાનોની આસપાસ કોઇ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે પગલા લેવાયા છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસ તંત્ર સતર્ક થયું છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે આ સિનેગોગ અમદાવાદના મુસ્લિમ બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં આવેલું છે. તેમ છતાં યહુદી પરિવારોએ કોઇ ભયનો માહોલ ન હોવાનું તેમજ મુસ્લિમ પરિવારોએ હુમલા અંગે સંવેદના વ્યક્ત કરી તેમજ ટેકો આપ્યાનું જણાવ્યું હતું.
અમદાવાદના ખમાસા વિસ્તારમાં આવેલા 600 વર્ષ જૂના મેગન અબ્રાહમ સિનેગોગ પાસે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરી સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. આ સિનેગોગનું નિર્માણ વર્ષ 1934માં થયું હતું. એ સમયે આશરે 600 જેટલા યહુદીઓ ગુજરાતમાં વસતા હતા. આ સંખ્યા ઘટીને હવે 140 થઇ ગઇ છે. જેમાંથી હાલ ફક્ત 120 યહુદી પરિવારો અમદાવાદમાં વસે છે.
હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલામાં તેમજ ઇઝરાયેલના પલટવારમાં અત્યાર સુધીમાં અંદાજે 700 જેટલા યહુદી-પેલેસ્ટાઇનના નાગરિકો માર્યા ગયા છે તેમજ હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સંઘર્ષમાં હજુસુધી કોઇ ગુજરાતી કે ભારતીય નાગરિકના મોતના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઇઝરાયેલના ગાઝાપટ્ટી પાસે આવેલા સરહદી વિસ્તારોમાં જ સ્થિતિ વધુ ભયાવહ છે, જ્યારે અન્ય શહેરોમાં સ્થિતિ કાબૂમાં હોવાનું ઇઝરાયેલ સ્થિત ભારતીયોએ જણાવ્યું હતું. જો કે અશ્કેલોન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય વસાહત છે, અને ભારતીય વિદેશખાતું તેમની સાથે સતત સંપર્કમાં છે તેવી વિગતો મીડિયા માધ્યમો વડે પ્રાપ્ત થઇ રહી છે.