આપણું ગુજરાત

ગુજરાત ભાજપમાં નોરતામાં સંગઠનમાં ફેરફાર: બોર્ડ-નિગમોમાં નિમણૂકોની પણ શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિનો રવિવારે આરંભ થવાનો છે. રાજ્યમાં ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપના કાર્યકરોમાં નવરાત્રિ કરતાં મોટો ઉત્સવ ઉજવાય એવા સંકેતો મળી રહ્યા છે. લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાઇ રહી છે એવા પ્રદેશ સંગઠનના નવા માળખાની રચના તથા સામાજિક-જાતિ સમૂહ કેન્દ્રિત બોર્ડ-નિગમમાં નિમણૂકો અંગે નવરાત્રિ, સંભવત: પહેલા નોરતે કેટલીક મહત્ત્વની જાહેરાતો થાય એવી શક્યતા છે. બોર્ડ-નિગમોમાં નિમણૂકો થતાં ઓછામાં ઓછા ૫૦૦થી વધુ મહત્ત્વના કાર્યકરોને પદ મળી શકે છે. આમ, આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ નેતૃત્વ ગુજરાતમાં એક નવું જોમ ભરવાનો પ્રયાસ કરશે.

શુક્રવારે બપોરે દિલ્હીથી આવેલી સૂચનાને પગલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય પ્રધાનના અગ્રસચિવ કે. કૈલાસનાથન ખાસ હવાઇ જહાજ મારફતે દિલ્હીદરબારમાં પહોંચ્યા હતા. એકાએક દિલ્હીના તેડાને પગલે અનેક પ્રકારની અટકળોએ જોર પકડ્યું હતું. આ અટકળો વચ્ચે વડા પ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તથા ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંગઠનને મુદ્દે કેટલાક પડતર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. હાલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જુલાઇમાં ટર્મ પૂરી થઇ છે. હાલ પ્રદેશ સંગઠનના નેતૃત્વમાં કોઇ ફેરફાર કરવાની આવશ્યક્તા ન હોવાથી એમને બીજી ટર્મ માટે આગળની કામગીરી શરૂ રાખવાની સૂચના અપાઇ છે, હવે એની વિધિવત જાહેરાત કરવામાં આવશે. સંગઠનમાં મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પછી જગ્યા ખાલી છે. આ પદોની સાથોસાથ પ્રમુખ પોતે પ્રદેશ ટીમમાં કેવા ફેરફારો કરવા ધારે છે તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાટીલની બીજી ટર્મમાં સંગઠનની નવી ટીમમાં કેવા કેવા ચહેરાનો સમાવેશ કરવો તેની વિસ્તૃત ચર્ચા પછી યાદી આખરી કરતાં પૂર્વે વડા પ્રધાન સાથે પરામર્શ કરાયો હતો. આ જ રીતે બોર્ડ નિગમોમાં નિમણૂકો કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે, ભાજપે લોકસભાની ચૂંટણી સંદર્ભે સંપર્ક સે સમર્થન સૂત્ર પોતાના કાર્યકરોને આપ્યું છે. મહત્તમ લોકસંપર્કથી જનતાનું સમર્થન મેળવવા પર નેતૃત્વએ ભાર મૂક્યો છે ત્યારે ગુજરાતના સૌથી મોટા તહેવાર નવરાત્રિમાં નવી નિમણૂકો પામનારા કાર્યકરો જનતા વચ્ચે, કાર્યકરો સાથે જઇ પક્ષનો સંદેશો જનજન સુધી પહોંચાડે એ માટે નવા સંગઠન અને બોર્ડ નિગમોમાં નિમણૂકોની જાહેરાત થઇ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન સાથે વડનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ, વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪, ગાંધીનગરને જોડતાં મેટ્રો ઉપરાંત અન્ય શહેરોમાં શરૂ થયેલા રિવરફ્રન્ટ, મેટ્રો સહિતના પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ