આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ઉનાળામાં દરેકને પીવાનું પાણી પૂરો પાડવાનો આદેશઃ ઉચ્ચસ્તરીય બેઠકમાં પાણી પુરવઠા વિભાગને આદેશ

અમદાવાદઃ ઉનાળો શરૂ થતાના સાથે અત્યારે રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, જેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજન માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્ય પ્રધાન દ્વારા પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા હતા.

કચ્છ જિલ્લામાં પીવાના પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે

ગુજરાતમાં અત્યારે 62 જળાશયનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. જ્યારે સરદાર સરોવર ડેમ સહિત કુલ 207 જળાશયમાં 14,269.73 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહિત કરવામાં આવેલું છે. આથી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન થાય તેને ધ્યાને લઈને ટપ્પર ડેમમાં વર્ષ દરમિયાન જરૂરિયાત પ્રમાણે નર્મદા કેનાલથી પાણી ભરવા અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પૂરતા પ્રમાણમાં નર્મદા જળ ઉપલબ્ધ કરાવવા અંગે સરદાર સરોવર નર્મદા નિગમને જણાવ્યું હતું.

આ પણ વાંચો: Gujarat માં નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાનું પાણી મળશે…

પાણી પુરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખવા કરાઈ છે ખાસ વ્યવસ્થા

ગુજરાત રાજયના કુલ 18,152 ગામ 292 શહેર પૈકી 15,720 ગામ અને 251 શહેરોને 372 જેટલી જૂથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે, જેમાં 10,659 ગામ, 190 શહેરને નર્મદા આધારીત યોજનાથી તેમ જ 5061 ગામ તથા 61 શહેરોને અન્ય ડેમ આધારિત યોજનાથી પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત, પાણી પુરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે ગાંધીનગરમાં 24X7 કંટ્રોલ રૂમ અને 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. તેની અને હેન્ડ પંપ રિપેરીંગ માટે 119 જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે તેની વિગતો અગ્ર સચિવ શાહમીના હુસેન દ્વારા આ બેઠકમાં આપવામાં આવી હતી

પ્રેઝન્ટેશન દ્વારા જળાશયોની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી

આ બેઠક દરમિયાન જળ સંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા, રાજ્ય પ્રધાન મુકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્ય પ્રધાનના સલાહકાર રાઠૌર, નર્મદા નિગમના સી. એમ.ડી. મુકેશ પુરી, અધિક મુખ્ય સચિવ (નર્મદા) સી.વી. સોમ અને વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા. નોંધનીય છે કે આ બેઠક દરમિયાન પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમ જ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ પણ આપવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button