ગોપાલ નમકીનમાં આગની ઘટના બાદ નમકીનનું પ્રોડક્શન અટકાવવા આદેશ
રાજકોટ: ગોપાલ નમકીનમાં લાગેલી આગ બાદ જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી નમકીનમાં પ્રોડક્શન ન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જો રિપોર્ટમાં બેદરકારી સાબિત થશે તો એક લાખ રૂપિયાનો દંડ તેમજ બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગોપાલ નમકીનના પ્લાન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં હવે ઔદ્યોગિક સલામતી વિભાગના અધિકારીએ તપાસમાં ઝંપલાવ્યું છે.
જોકે ડિપાર્ટમેન્ટ એફ.એસ.એલ.ના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે.તેમજ જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગોપાલ નમકીનમાં પ્રોડક્શન અટકાવી દેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ સબમિટ થયા બાદ ડિપાર્ટમેન્ટ આ રિપોર્ટ યોગ્ય છે કે નહિ તે અંગે તપાસ કરશે. રિપોર્ટ સબમિટ કરવા માટે કોઇ મર્યાદા હોતી નથી. નિયમ મુજબ સામાન્ય રીતે થર્ડ પાર્ટી દ્વારા આ રિપોર્ટ સબમિટ થતો હોય છે.
Also read: Rajkot: ગોપાલ નમકીનની ફેક્ટરીમાં વિકરાળ આગ; હજુ પણ આગ કાબૂ બહાર
રિપોર્ટ સબમિટ થયા બાદ ડિપાર્ટમેન્ટે આ રિપોર્ટમાં નીતિ- નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ કરશે. જો કોઈ નિયમનું ઉલ્લંઘન થયું હોવાનું સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગોપાલ નમકીનમાં આગ લાગી તેના બે દિવસ પૂર્વે જ સીજીએસટી ડિપાર્ટમેન્ટે ટેક્સચોરી પ્રકરણમાં નોટિસ પાઠવી હતી. જેમાં રૂ.13.50 કરોડનો ટેક્સ ભરી દેવા માટે આદેશ કર્યો હતો. જે બાદ આગ લાગતાં અનેક પ્રકારની ચર્ચા વહેતી થઈ હતી.