કૌભાંડની બૂ? મોરબીમાં PMJAY અંતર્ગત સૌથી વધુ ઓપરેશન કરનારી હોસ્પિટલ સામે તપાસના આદેશ
મોરબી: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનાનો લાભ ખાંટવા માટે ડોકટરોએ અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખ્યાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી છે. ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11393 દર્દીઓને સારવાર આપી 34 કરોડથી વધુના ક્લેઇમ મંજુર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી કોઇ કૌભાંડની શક્યતાઓ સેવાઇ રહી હોય તે બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મોરબીમાં એક જ હોસ્પિટલમાં સૌથી વધુ કલેમ
લોકોના આરોગ્ય અને સારવાર માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી PMJAYનો ગેરલાભ લઈને અનેક હોસ્પિટલોએ પોતાનો લાભ ખાંટવા યોજનાનો ગેરલાભ લીધાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 7,786 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ સારવાર આપીને કલેમ કરવામાં આવ્યા છે. સરકારની યોજના અંતર્ગત સૌથી વધુ ક્લેઇમ અહી જ કરવામાં આવતા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કલેકટરે કહ્યું હતું કે, ‘જો ખોટું થયું હશે તો કડક પગલા લેવામાં આવશે, જરૂર પડ્યે તપાસ માટે ગાંધીનગરથી ટિમ પણ બોલાવીશું.’
ક્લેઇમની મોટી સંખ્યા અંગે તપાસ
આયુષ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં પીએમજેએવાય અંતર્ગત સારવાર અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે શ્રીવાત્સવે જણાવ્યું હતું કે, સારી હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળતી હોય તો વધુ દર્દીઓ ત્યાં સારવાર માટે જાય તે સ્વાભાવિક વાત છે, જો કેમ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત હોસ્પિટલની મુલાકાત લેવામાં આવતી હોવાની સાથે ક્લેઇમની મોટી સંખ્યા અંગે તપાસ કરવામાં આવશે તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.
દર્દીઓને સુવિધા મળતી હોવાથી સંખ્યા વધુ
હોસ્પિટલમાં કૌભાંડ થયું હોવાની શક્યતાઓને લઈને તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે હોસ્પિટલના ડાયરેકટર ચેતન અઘારાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, તેઓની હોસ્પિટલમાં તમામ ફેકલ્ટીના ડોક્ટર છે અને દર્દીઓને વધુમાં વધુ સારી સુવિધાઓ મળે તે માટે દરેક યોજનામાં કામ કરવામાં આવે છે જેથી કરીને દર્દીઓની સંખ્યા અને કેસની સંખ્યા વધારે છે.
આ પણ વાંચો…મેટ્રોના મુસાફરો માટે મહત્વના સમાચાર; આ તારીખથી મળશે થલતેજ ગામ સુધીની મેટ્રો સેવા
જરૂર પડ્યે ગાંધીનગરથી ટીમો બોલાવાશે
આ અંગે મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, ગરીબ માણસ ગંભીર બીમારીની સ્થિતિમાં દેવાનો ભોગ ન બને તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી સરકારે ગરીબ દર્દીઓને 5 લાખ સુધીની સારવાર મળે તે માટે વ્યવસ્થા ગોઠવી છે ત્યારે ગરીબના નામે કૌભાંડ કરવામાં આવે કે ગરીબ દર્દીઓની જાણ બહાર આવી કોઈ કામગીરી કરવામાં આવી હશે તો કોઈને પણ નહીં છોડવામાં આવે તેમ જણાવી મોરબીની આયુષ હોસ્પિટલ મામલે તપાસ શરૂ કરાવી હોવાનું અને જરૂર પડ્યે ગાંધીનગરથી ટીમો બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.