ગુજરાતનાં આ 14 જિલ્લામાં ગરમીની ઓરેન્જ અને બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીથી પરિસ્થિતી એવી સર્જાઈ છે કે સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી લોકો ઘરની બહાર નિકળવાનું ટાળે છે. જો કે આ ચામડી દઝાડતી ગરમીના પ્રકોપથી રાહત મળે તેવા કોઈ સંજોગો હાલ જોવા મળતા નથી.
હવામાન (Weather) વિભાગે રાજ્યમાં હીટવેવ (Heatwave)ની આગહી કરી છે. હવામાન (Weather) વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે તો અમરેલી અને સાબરકાંઠામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે સતત ઉંચે જઇ રહ્યો છે, આજે અમદાવાદનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે, સૌથી વધુ તાપમાન ડીસામાં 45.3 ડિગ્રી નોંધાયું છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન રહેશે. આગામી પાંચ દિવસ ગરમી થી રાહત નહી મળે.રવિવારે 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન 43થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન (Weather) વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે ગયો જ નથી, જેના કારણે તીવ્ર ગરમી પડી રહી છે. આકાશમાંથી વરસી રહેલા અગનગોળા યથાવત્ રહેતા ગુજરાત અગન ભઠ્ઠી બન્યું છે. સતત પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અસહ્ય ગરમીના કારણે લોકોમાં ચક્કર અને ઉબકા આવવા, ત્વચા ગરમ અને લાલ થઇ જવી, માથાના દુખાવાની ફરિયાદો વધી છે.