આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરહદ પર પાકિસ્તાને 600 ડ્રોન હુમલા કર્યા, એર ડિફેન્સ સિસ્ટમે તમામ નિષ્ફળ બનાવ્યા…

ગાંધીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. જેમાં નવ આતંકી કેમ્પોને તોડી પાડયા હતા. જેની બાદ પાકિસ્તાને દેશના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. ત્યારે ગુજરાત સરહદ પર પણ પાકિસ્તાને હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાને 600 થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
આ અંગે માહિતી આપતા બીએએસએફ ગુજરાતના આઇજી અભિષેક પાઠકે જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ગુજરાતમાં 600 થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. પરંતુ આપણી સેનાની એર ડિફેન્સ સિસ્ટમે બધાને નષ્ટ કરી દીધા હતા. પાકિસ્તાનના બધા ડ્રોન તૂટી ગયા હતા. આપણને કોઈ નુકસાન થયું નહીં. તેમજ જ કોઇ સુરક્ષા કર્મચારી કે નાગરિકને નુકસાન થયું નથી.

600 ડ્રોનમાંથી લગભગ 40 ટકા ગુજરાતમાં પ્રવેશ્યા હતા
પાકિસ્તાને ગુજરાત સરહદ પર ટેન્ક અને ભારે તોપ પણ તૈનાત કરી હતી. બીએસએફ રાજસ્થાનના બાડમેરથી ગુજરાતના કચ્છ જિલ્લા સુધી ભારત-પાકિસ્તાન સરહદનું રક્ષણ કરે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફની ભૂમિકા અંગે ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા પાઠકે કહ્યું, પાકિસ્તાન દ્વારા રાજસ્થાનથી કચ્છ તરફ આપણી સરહદ તરફ મોકલવામાં આવેલા લગભગ 600 ડ્રોનમાંથી લગભગ 40 ટકા ગુજરાતમાં પ્રવેશ્યા હતા.

બીએસએફની મહિલા પાંખે મોટી જવાબદારી ભજવી હતી
પાઠકે કહ્યું કે ગુજરાતમાં 800 થી વધુ મહિલા બીએસએફ કર્મચારીઓ છે. ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું ત્યાં સુધીમાં, તમામ મહિલા બીએસએફ કર્મચારીઓ સરહદ પર તૈનાત હતા. હું આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અમનદીપ અને નીતિ યાદવનો આભારી છું આ બંને મહિલા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ છે. હું તેમનો ઉલ્લેખ કરવા માંગુ છું જેમણે કંપની કમાન્ડર તરીકે સૌથી પડકારજનક ખાડી વિસ્તારમાં પોતાની કંપનીઓનું નેતૃત્વ કર્યું હતું.

પાકિસ્તાનને મોટું નુકસાન થયું
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ગઢ બહાવલપુરના 20 થી વધુ લોકો માર્યા ગયા. જ્યારે પાકિસ્તાની સેનાને પણ ઘણું નુકસાન થયું છે. એવો અંદાજ છે કે 35 થી 40 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button