Dakorમાં દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્રનો પ્રારંભ; જગન્નાથ મંદિરના મહંતે કરાવ્યો શુભારંભ
ડાકોરઃ ખેડા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. વૈષ્ણવો માટે ડાકોર રણછોડરાયજીનું મંદિર ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાનું એક છે. ત્યારે ડાકોર મંદિરે આવનારા દર્શનાર્થીઓ હવે ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભોજન-પ્રસાદીનો લાભ મળવાનો છે. ડાકોર રણછોડજી ટ્રસ્ટ દ્વારા ઠાકોરજીના દર્શનાર્થીઓને હવે વિનામુલ્યે ભોજન કરાવવાનો નિર્ણય કરાયો છે. આજે રણછોડજી અતિથિગૃહના પાર્કિંગમાં ભક્તો માટેની ભોજનશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
ડાકોર મંદિર કમિટીની મીટિંગમાં નિર્ણય
આ સમગ્ર બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેનએ જણાવ્યું હતું કે, ડાકોરના ઠાકોરના દર્શને આવતા ભક્તો ભોજન પ્રસાદી લઈને જાય, કોઈ ભક્ત ભૂખ્યા ના જાય તેવો નિર્ણય ડાકોર મંદિર કમિટીની મીટિંગમાં થયો હતો.
નિઃશુલ્ક ભોજનું આજથી પ્રારંભ
આજે 7મી ઓકટોબર સોમવારે સવારે 11 વાગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ડાકોર મંદિરના મહંત ભંડારી મહારાજના હસ્તે વિનામુલ્યે ભોજન શાળાનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ છે. જેમાં ભક્તોને દરરોજ સવારે દાળ, ભાત, શાક, પુરી જ્યારે સાંજે ખિચડી, કઢી, શાકનો પ્રસાદ નિઃશુલ્ક જમાડવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં મંદિરમાં ફંડની આવક વધશે તો અન્ય મીઠાઈ પણ ભક્તોને જમવામાં આપવાની શરૂ કરાશે.
ભક્તોમાં આનંદનો માહોલ
ડાકોર મંદિર ખાતે અત્યાર સુધી મંદિર પ્રશાસન તરફથી વિના મૂલ્યે ભોજનની કોઈ વ્યવસ્થા ન હતી. ભક્તોને જાતે જ વ્યવસ્થા કરવી પડતી હતી. ત્યારે મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે. ભક્તોએ આ નિર્ણયને આવકાર્યો છે. આ નિર્ણયથી દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવતા યાત્રિકોને સીધો લાભ મળશે.
Also Read –