રાજ્યમાં આ તારીખ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવનારા ખેડૂતોને જ મળશે પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો

ગાંધીનગરઃ ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસ્ટેક – ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ પર નોંધણી બંધ હતી, જે ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતના ૧૧.૫૭ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરી છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજીસ્ટ્રીમાં પ્રથમ ક્રમે છે.
પીએમ કિસાન સ્કીમનો લાભ લેવા આ તારીખ સુધીમાં કરવો રજીસ્ટ્રી
ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૩૦ નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત પણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ તા. ૩૦ નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવી હશે તેવા ખેડૂતોને પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે. અન્ય ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પી.એમ કિસાન યોજનાના લાભો મળવાપાત્ર થશે.
આ પણ વાંચો……તો કચ્છડામાં રણોત્સવ બારેમાસઃ પર્યટન વિભાગ કરી છે આ પ્રકારનું આયોજન
કેવી રીતે કરાવી શકાશે ફાર્મર રજીસ્ટ્રી
ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે કોઇપણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર વિનામૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. ફાર્મર રજીસ્ટ્રી માટે ખેડૂતોએ ભળતી અથવા ખોટી એપ્લીકેશન કે લિન્ક ન ખોલતા આપના ગામના તલાટી/ ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત જ નોંધણી કરાવવી હિતાવહ છે. આ ઉપરાંત ખેડૂતો અધિકૃત એપ્લીકેશનના માધ્યમથી સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકે છે. સેલ્ફ રજીસ્ટ્રેશન માટે સોશિયલ મીડિયામાં જો કોઈ ખોટી માહિતી મળે તો તેના પર ક્લિક કરવાથી ખેડૂતોએ બચવું જોઈએ.