એન્જિનિયરિંગની 1400 માટે માત્ર 45 અરજી? મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાતની આવી દશા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ ટેકનિકલ અભ્યાસક્રમ ઓફર કરતી કોલજે વર્ષમાં બે વાર એડમિશન પ્રોસેસ હાથ ધરવાની પરવાનગી આપી છે, તે અનુસાર ગુજરાતની કોલેજોએ ખાલી પડેલી એન્જિનિયરિંગ બેઠકના એડમિશનની શરૂઆત કરી હતી.
ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ સમિતિઓ દ્વારા નોંધણીઓ શરૂ થઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓનો પ્રતિસાદ ઓછો જોવા મળ્યો હતો. મળતા આંકડા અનુસાર 372 ખાલી ડિગ્રી એન્જિનિયરિંગ બેઠકો માટે પાંચ નવી અરજીઓ અને 1,100 ખાલી ડિપ્લોમા બેઠકો માટે માત્ર 40 અરજીઓ આવી છે.
લાયક ઉમેદવારોને રૂબરૂ કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવશે, અને સીટ ફાળવણી પ્રક્રિયા 19 જાન્યુઆરી પહેલા પૂર્ણ થવાની અપેક્ષા છે. કેન્દ્ર અને રાજ્ય બોર્ડ દ્વારા વર્ષમાં બે વાર ધોરણ 12 ની પરીક્ષાઓ લેવાની સિસ્ટમ અપનાવ્યા પછી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો, જે મોડેલ ગુજરાતમાં પહેલાથી જ અપનાવવામાં આવ્યું છે. રાજ્યએ નિયમિત ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશના પહેલા રાઉન્ડ પછી ખાલી રહેલી બેઠકો ભરવા માટે નવી નોંધણી શરૂ કરી હતી. સરકારી એન્જિનિયરિંગ કોલેજો આ તબક્કામાં ફક્ત એવી શાખાઓમાં પ્રવેશ આપશે જ્યાં 30% થી વધુ બેઠકો ખાલી હોય.
આ પણ વાંચો : ગુજરાતની અમુક એન્જિનિયરિંગ કોલેજમાં સિંગલ ડિજિટમાં એડમિશન, તો અમુક તો ખાલીખમ…
પ્રવેશ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે ૩૭૨ ખાલી સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ બેઠકો માટે ૪૩ અરજીઓ મળી હતી, જેમાં નવા અરજદાર તો માત્ર પાંચ જ છે. બાકીના ૩૮ અરજદાર પહેલાથી જ કોલેજોમાં નોંધાયેલા હતા અને બીજા તબક્કા માટે પાત્ર નથી, આથી તેમની અરજીઓ અમાન્ય બની ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશમાં પણ આવી જ પેટર્ન જોવા મળી છે. ૧,૧૦૦ ખાલી બેઠકો માટે ૪૦ અરજદારમાંથી, ઘણા પહેલાથી જ અન્યત્ર અભ્યાસ કરી રહ્યા છે આથી તેઓ અપાત્ર ઠરશે. પાત્ર ઉમેદવારોને વ્યક્તિગત કાઉન્સેલિંગ દ્વારા બેઠકો ફાળવવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ ગણવામાં આવે છે અને અહીં નાના નાના હજાર ઉદ્યોગો આવેલા છે, જેમાં વિવિધ ફેકલ્ટીના એન્જિનિયર્સની જરૂર પડેે, છતાં વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગને જાકારો આપી રહ્યા છે, તે હકીકત છે.



