સાવધાનઃ ઓનલાઇન પાર્સલમાં વિસ્ફોટ, એક બાળકી સહિત બે લોકોનાં મોત
સાબરકાંઠા: આજકાલ લોકોમાં ઓનલાઈન માધ્યમથી ખરીદીનું ચલણ વધ્યું છે, સસ્તાની લાલચમાં લોકો ઓનલાઈન ખરીદી કરે છે પણ તે ચીજની ગુણવત્તાની કોઈ ગેરન્ટી હોતી નથી, તેથી ઘણી વખત ગ્રાહક છેતરાઈ જતો હોય છે. આ નબળી ગુણવત્તાની ચીજો જીવલેણ પણ નિવડે છે, જેમ કે સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં એક પરિવારે ઓનલાઈન ઈલેક્ટ્રિક વસ્તુ મંગાવી હતી, જેનું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામમાં જીતેન્દ્રભાઈ હીરાભાઈ વણઝારાના નામનું પાર્સલ આવ્યું હતુ, આ પાર્સલમાં આવેલી ઈલેકટ્રોનિક ડિવાઈસને પ્લગિંગ કરતા સમયે બ્લાસ્ટ થયું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. આ ઘટનામાં એક બાળકી સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્ર્સ્ત થયા છે.
ગામના સૂત્રો અનુસાર બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આજુબાજુના 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે એક દીકરીનું હોસ્પિટલમાં મોત થયું હતું. હજુ પણ અન્ય ઈજાગ્રસ્ત 2 દીકરીઓને ઈડર બાદ વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યા છે હાલ તે બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટનાના સમાચાર સામે આવતા જ ગ્રામજનો સહિત લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ ડીવાયએસપી, જીલ્લા એલસીબી સહિત વડાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચી વધું તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક માહિતીમાં સામે આવ્યા અનુસાર કોઈ અજાણી વ્યક્તિ પાર્સલ આપી ગઈ હતી. તો કોઈ ઓનલાઈન આવ્યું હોવાનું જણાવી રહ્યા હતા. પરંતુ પાર્સલને જોતા ઓનલાઈન પાર્સલ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ હાલમાં પાર્સલ કેવી રીતે આવ્યું, કોણ આપી ગયું, અને પાર્સલમાં કેવી રીતે બ્લાસ્ટ થયો તે મામલે તપાસ હાથ ધરી છે.