સોના ચાંદી નહીં પણ ડુંગળીની ચોરી: ખેડૂત સૂતો રહ્યો અને ચોર 400 મણ ડુંગળી ચોરી ગયા

મોરબીઃ ગુજરાત સહિત દેશમાં મોંઘવારીના મારથી સૌ કોઈ પરેશાન છે, મોંઘવારીના કારણે ચોરીની સંખ્યામાં વધારો પણ નોંધાઈ રહ્યો છે. પણ કેટલીક ચોરીઓ એવી હોય છે જે ચર્ચાનું કેન્દ્ર રહે છે. આવી જ એક ઘટના ગુજરાતના મોરબી જિલ્લામાં બની છે. જ્યાં સોના-ચાંદી કે રૂપિયાની નહીં પણ ગરીબોની કસ્તુરી (ડુંગળી)ની ચોરી કરવામાં આવી છે. અને આ ઘટનામા ફરીયાદ પણ નોંધાવામાં આવી છે.
400 મણ ડુંગળી ચોરી થઈ:
ગુજરાતમાં લૂંટ, ચોરી કે ધાડની અનેક ઘટનાઓ સાંભળી હશે કે પછી જોઈ હશે. પરંતુ મોરબી જિલ્લાના વાંકાનેર નજીક નાનકડા પંચાસર ગામમાં એક એવી ચોરી થઈ કે તે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ગામમાં આવેલા કુકડા કેન્દ્રમાંથી ડુંગળીની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. ડુંગળીની કિલો-બે કિલો નહીં પરંતુ 400 મણ ડુંગળી ચોરી થઈ હતી. માલિકે જ્યારે પોતાના કેન્દ્રમાં નજર કરી તો ડુંગળી હતી નહીં તો તેમણે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી.
ડુંગળી ચોરીની કરનારા ત્રણ ઝડપાયા
પોલીસે ફરીયાદના આધારે તરત એક્શનમા આવી ગણતરીના સમયમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતાં. પોલીસે તેમની પાસેથી અંદાજિત ત્રણ લાખ રૂપિયાની કિંમતની ડુંગળી પણ કબજે કરી લીધી છે. પોલીસે ડુંગળી ચોરીની ઘટનામાં સબ્બીર હુસૈન સેરસિયા, જાબીર બાદી, અને નજરૂદ્દીન બાદીને ઝડપી તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :Ratan Tataના નિધનથી ગુજરાતનાં પારસી સમુદાયમાં શોક: સુરતમાં ખેલૈયાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
ડુગરીનું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ:
ડુંગળી ચોર આરોપીઓએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા જ્યાં ડુંગળી રાખવામાં આવી હતી તેની રેકી પણ કરી હતી. ત્યારપછી ટ્રક લઈને આરોપીઓએ રાતોરાત ડુંગળી ચોરી લીધી અને તેને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ પણ કરી દીધી હતી. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ આભને આંબી રહ્યા છે. બીજી તરફ મોંઘવારીના મારથી પ્રજા ત્રસ્ત છે. ત્યારે આ પ્રકારની ડુંગળી ચોરીની ઘટનાથી લોકોમાં કુતુહલ સર્જાયું છે.